Navsari: તીઘરા રોડ પરના શાશ્વત એપાર્ટમેન્ટમાં દુઃખદ ઘટના, બીમારીથી કંટાળેલી મહિલાએ ધાબા પરથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી

નવસારીના તીઘરા રોડ પર શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતી 39 વર્ષીય કોમલ હાર્દિક શાહે બીમારીથી કંટાળી ધાબા પરથી કૂદીને આપઘાત કર્યો. નવસારી ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરિવાર શોકમાં ગરકાવ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 20 Oct 2026 06:35 PM (IST)Updated: Tue, 20 Oct 2026 06:35 PM (IST)
navsari-news-woman-dies-by-suicide-jumping-from-building-terrace

Navsari: નવસારી શહેરના તીઘરા રોડ પર બીમારીથી કંટાળેલી મહિલાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો નવસારી ટાઉન પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવસારીના તીઘરા રોડ પર આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા કોમલ હાર્દિક શાહ (39) નામની મહિલાએ આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચોથા માળે આવેલા ધાબા પરથી મોતનો ભૂસકો મારી જિંદકી ટૂંકાવી હતી. આ ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ તો કોમલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

પોલીસ પૂછપરછમાં મૃતકના પતિ હાર્દિક શાહે જણાવ્યું કે, મારી પત્ની કોમલ છેલ્લા ઘણાં સમયથી બીમારીથી પીડાતી હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી. આથી બીમારીથી કંટાળીને જ તેણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં મૃતક કોમલ શાહ શાશ્વત એપાર્ટમેન્ટમાં પતિ હાર્દિક, વૃદ્ધ સાસુ અને દીકરી સાથે રહેતા હતા. જેમની દીકરી હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે. કોમલ શાહના અકાળે અવસાનથી એકની એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમગ્ન છે. હાલ તો ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.