Vadodara: અક્ષરચોક પાસે સર્જાયો ગંભીર અકસ્માત, ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે કચડાયું 20 વર્ષીય યુવાનનું ભવિષ્ય

નોકરી પરથી પરત ફરી રહેલા યુવકને અક્ષરચોક પાસે એક ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. આ બનાવમાં યુવકનું મોત થયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 01 Feb 2026 03:20 PM (IST)Updated: Sun, 01 Feb 2026 03:20 PM (IST)
vadodara-accident-near-akshar-chowk-20-year-old-boy-died-being-hit-by-dumper
HIGHLIGHTS
  • શહેરના અતિવ્યસ્ત અક્ષરચોક પાસે ભયાનક અકસ્માત સર્જાયો  
  • નોકરી પરથી પરત ફરી રહેલા યુવકને ડમ્પર ચાલકે અડફેટે લીધો
  • અકસ્માતમાં 20 વર્ષીય યુવકનું મોત થયું, પરિવારમાં શોક ફેલાયો

Vadodara Accident: શહેરના અતિવ્યસ્ત અક્ષરચોક પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. નોકરી પરથી પરત ફરી રહેલા યુવકને એક ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકનો એક પગ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો.

અક્ષરચોક પાસે ભયાનક સર્જાયો અકસ્માત

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર મૃતક શ્રીજી ગાંધી એલેમ્બિક કંપનીમાં નોકરી કરતો અને પાદરાના નવાપુરામાં રહે છે. શ્રીજી ગાંધી રોજની જેમ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અક્ષર ચોક પાસે પૂરપાટ ઝડપે જતાં ડમ્પર ચાલકે તેના બાઈકને અડફેટે લીધું. ડમ્પરનું આગળનું તોતિંગ વ્હીલ યુવક પર ફરી વળ્યું હતું.

એક પગ કપાઈ ગયો, યુવાનનું થયું મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળે હાજર લોકો દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ડમ્પરનું આગળનું તોતિંગ વ્હીલ યુવક પર ફરી વળતા યુવકનો ડાબો પગ શરીરથી અલગ થઈ ગયો. સારવાર માટે યુવકને તાત્કાલિક 108 દ્વારા સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તબીબોએ તપાસ પછી તેમને મૃત જાહેર કર્યા હતો.

આશાસ્પદ યુવકના પરિવારમાં શોક છવાયો

શ્રીજી માત્ર પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા હતા અને પરિવારને અનેક આશાઓ હતી. તેમના અચાનક અવસાનથી માતા-પિતા અને પરિવારમાં શોક છવાયો છે. પાદરાના નવાપુરામાં આ ઘટના જાણતા જ સમગ્ર પંથકમાં શોક અને વાતાવરણ ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી

આ ઘટના ફરી એકવાર શહેરના ટ્રાફિક નિયમો અને ભારે વાહનોની ગતિ મર્યાદા સામે સવાલ ઉભા કરે છે. નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે અને લોકો પુછે છે કે શું માર્ગો પર નિર્દોષ લોકોનું બલિદાન આવું જ થતું રહેશે? પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ શ્રીજીના પરિવારને થયેલી ખોટ ક્યારેય પૂરી ન થઈ શકે.