Vadodara: વડોદરા શહેરના પોશ વિસ્તાર અલકાપુરીમાં આવેલી એક બિલ્ડિંગના ધાબા પર મોડી રાત્રે ચાલી રહેલી દારૂની પાર્ટી પર અકોટા પોલીસે અચાનક રેડ કરી હતી. પોલીસને જોઈને પાર્ટી માણી રહેલા નબીરાઓનો નશો પણ ઉતરી ગયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 8 નબીરાઓને ઝડપી લઈને દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અકોટા પોલીસની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રાત્રે આશરે 11:51 વાગ્યે કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી હતી કે અલકાપુરી વિસ્તારની વિશ્વાસ કોલોનીમાં આવેલા ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સના ધાબા પર કેટલાક શખ્સો ભેગા થઈ દારૂ પાર્ટી કરી રહ્યા છે. આ બાતમીને ગંભીરતાથી લઈ અકોટા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો
પોલીસ ધાબા પર પહોંચતા જ ત્યાં આઠ શખ્સો ગોળ કુંડાળું વળી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કોઈ તક ન આપતા તમામને કસ્ટડીમાં લઈ લીધા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા કુલ આઠ પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળ અને રહેણાંક વિસ્તારમાં આ રીતે કાયદા ભંગ કરીને દારૂ પાર્ટી કરાતા સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
પોલીસ તપાસમાં ઝડપાયેલા તમામ નબીરાઓની ઓળખ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા નબીરાઓમાં દીવાળીપુરા, ભાયલી રોડ, તાંદળજા, તરસાલી, વડસર, આજવા રોડ સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારો તેમજ અમદાવાદ અને વાઘોડીયા વિસ્તારના યુવાનોનો સમાવેશ થાય છે.
અકોટા પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર દારૂના સેવન સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આવા બનાવો ફરી ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ગુપ્ત માહિતીના આધારે સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કાયદા ભંગ કરનારાઓ સામે પોલીસ કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવાની નથી.
