પ્રશાંત ગજ્જર, Vadodara News: ભાવનગરમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની કરૂણાંતિકા બાદ સમગ્ર રાજ્યમાં બુટલેગરો સામે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન વડોદરા તાલુકા પોલીસે બાતમીના આધારે સમયાલા ટોલનાકા પાસે નાકાબંધી કરી ભાવનગરથી કારમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૂનો જથ્થો વડોદરા ઘૂસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસની સમયસૂચકતા અને સતર્કતાના કારણે ભાવનગર જેવી ગંભીર ઘટના વડોદરામાં થતી અટકી ગઈ છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ભાવનગર તરફથી એક શંકાસ્પદ કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વડોદરા લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સમયાલા ગામના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.
જ્યાં બાતમીવાળી કાર ટોલનાકા પર આવતા જ પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી, જેમાં કારમાંથી વિદેશી દારૂની કુલ 114 બોટલ (કિંમત રૂ. 74,829) મળી આવી હતી.
પોલીસે દારૂ ઉપરાંત બે મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂ. 2,84,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અજય મહેશભાઈ કુકરેજા (રહે. નવું સિંધુનગર, સરદારનગર, ભાવનગર) અને મહેશ શશીકાંતભાઈ કટકિયા (રહે. મફતનગર, સરદારનગર, ભાવનગર) ની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ દારૂનો આખો જથ્થો ભાવનગરમાંથી કયા શખ્સે આપ્યો હતો અને વડોદરામાં કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ વડોદરા પોલીસની આ સમયસૂચકતા અને સચોટ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
