Amit Shah Gujarat Visit: કેન્દ્રિય ગૃહમંત્રી 27 ઓગસ્ટે ગુજરાતમાં, ભારે વરસાદમાં જળમગ્ન બનેલા બોપલમાં લોકદરબારનું આયોજન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવશે, જ્યાં તેઓ અમરેલીમાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ બોપલ-ઘુમામાં પાણી ભરાવાની સમસ્યાની સમીક્ષા કરશે અને 2036 ઓલિમ્પિક-2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Aug 2026 05:13 PM (IST)Updated: Sat, 22 Aug 2026 05:13 PM (IST)
ahmedabad-news-amit-shah-gujarat-visit-bopal-ghuma-ground-review

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ રાજ્યમાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે વહીવટી તંત્ર સાથે મહત્વની સમીક્ષા બેઠકો પણ યોજવાના છે.

પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. આ ઉપરાંત અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં થોડા સમય પહેલા સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાઓ અંગે રૂબરુ મુલાકાત લઈને સમીક્ષા કરવાના છે.


ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદમાં તૂટી પડેલા ભારે વરસાદના કારણે બોપલ-ઘુમા વિસ્તારમાં જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીંની અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના પરિણામે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ સમયે પણ અમિત શાહે ચિંતા વ્યક્ત કરી હતી. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારના ગોઠણસમા પાણીમાં ઉતરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

હવે અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન બોપલ અને ઘુમા વિસ્તારના નાગરિકોને સીધી રજૂઆત સાંભળી શકે તે માટે બોપલ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓલિમ્પિક 2036 અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા

અમિત શાહના ગુજરાત પ્રવાસનું સૌથી મહત્વનું પાસું અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકો છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આ મહત્વની બેઠકમાં વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક અને વર્ષ 2030માં અમદાવાદમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે
જેમાં રમતગમત ક્ષેત્રે જરૂરી આયોજન, માળખાકીય સુવિધાઓ (સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) ના વિકાસ અને આગામી આયોજનને લઈને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે તેઓ વિગતવાર બેઠક યોજશે.

કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ ગુજરાતના સર્વાંગી વિકાસ અને વૈશ્વિક રમતગમતના નકશા પર રાજ્યની મજબૂત દાવેદારીની તૈયારીઓની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે