Vadodara: છાણીના ખેડૂતનું અદ્યતન ટેક્નોલૉજી થકી ખેતી ક્ષેત્રે પ્રયાણ, હળદર પ્રોસેસિંગથી વિઘા દીઠ રૂ. 50 થી 60 હજાર નફો રળ્યો

પ્રોસેસિંગ મશીનની મદદથી હળદરનુ મુલ્યવર્ધન કરી મબલખ આવક મેળવે છે, જૈવિક ખાતરથી ગુણવત્તાયુક્ત બટાકાનો પાક લે છે જોઇતો ભાવ આવે ત્યા સુધી કોલ્ડ સ્ટોરેજમા સ્ટોર કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Mar 2026 05:15 PM (IST)Updated: Sun, 08 Mar 2026 05:15 PM (IST)
smart-farming-success-vadodara-farmer-builds-brand-with-value-added-turmeric
HIGHLIGHTS
  • બાગાયત ખાતાની સહાયથી પ્રોસેસિંગ સાધનો અપનાવી પાકમાં મૂલ્યવર્ધન કરી સર્જી સફળતાની અનોખી ગાથા

Vadodara: ગુજરાત રાજ્યમાં બાગાયત ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને ખેડૂતને વાવેતરથી લઈ બજાર સુધી મજબૂત સહારો મળે તે હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય બાગાયત ખાતાની રચના કરી છે.

નવી તકનીકોનો પ્રસાર, કાપણી પછીનું વ્યવસ્થાપન, પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધન અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થાના વિકાસથી બાગાયત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. વડોદરા જિલ્લામાં પણ બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયક યોજનાઓ અસરકારક રીતે અમલમાં મુકાઈ છે.

વડોદરા જિલ્લાના છાણી ગામના યુવાન ખેડૂત હિતેશભાઈ પટેલ આ પરિવર્તનના જીવંત ઉદાહરણ છે. તેઓ સાકરદા ગામ ખાતે 25 વિઘા જમીનમાં સિઝન આધારિત ખેતી કરે છે અને આધુનિક ટેકનોલોજી અપનાવી 'સ્માર્ટ ખેડૂત' તરીકે પોતાની ઓળખ બનાવી છે.

હિતેશભાઈ પપૈયા, બટાકા, કેળ અને હળદરની ખેતી કરે છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ 10 વિઘામાં હળદરનું વાવેતર કરે છે. હળદરનું માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ તેને ઉકાળી, સુકવી અને પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન પણ કરે છે.

બાગાયત ખાતાની સહાયથી તેમણે ISO/BIS/ISI પ્રમાણિત બોઇલર પ્રોસેસિંગ મશીન ખરીદી 50 ટકા સબસીડી મેળવી છે. આ મશીન દ્વારા ગુણવત્તાયુક્ત હળદર પાઉડર તૈયાર કરી તેઓ મસાલા બજારમાં પોતાનો સારો બ્રાન્ડ ઇમેજ ઉભું કરી રહ્યા છે. હળદરના મૂલ્યવર્ધનથી તેઓ એક વિંઘામાંથી અંદાજે રૂ.50 થી 60 હજાર સુધીનો ચોખ્ખો નફો મેળવે છે.

આ સાથે તેઓ દર વર્ષે "લોકર બટાકા"ની ખેતી પણ કરે છે. એક વિંઘામાંથી અંદાજે ૨૦૦ થી ૨૫૦ મણ ઉત્પાદન મેળવે છે, જેનું રૂ. ૫૦૦ પ્રતિ મણના સરેરાશ ભાવે વેચાણ કરે છે. બજારમાં ભાવ ઓછો હોય ત્યારે તેઓ પાકને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરે છે અને યોગ્ય ભાવ મળતા વેચાણ કરે છે.

naidunia_image

હિતેશભાઈએ જણાવ્યું હતુ કે, ખેતીમાં નફો મેળવવો હોય તો માત્ર ઉત્પાદન પૂરતું નથી, પરંતુ મૂલ્યવર્ધન અને યોગ્ય બજાર વ્યવસ્થા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સરકારની સહાય અને આધુનિક ટેકનોલોજી ખેડૂત માટે આશીર્વાદ સમાન છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ રસાયણિક દવાઓના બદલે દિવેલીયું અને છાણિયું ખાતર જેવા જૈવિક ખાતરનો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઉત્પાદન પણ સારૂ મળે છે.

આ રીતે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્કેટિંગની સમજ દ્વારા સાકરદા ગામના આ યુવાન ખેડૂત બાગાયતી ક્ષેત્રે સફળતાની નવી મિસાલ ઉભી કરી રહ્યા છે. તેમનો પ્રયાસ બાગાયત ક્ષેત્રે ઝંપલાવા માંગતા યુવા ખેડૂતોની ચિંતાઓ દુર કરી રહ્યા છે.