T20 World Cup Final 2026: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ICC T20 વર્લ્ડકપની ફાઈનલ (India vs New Zealand Final) મેચ રમાવા જઈ રહી છે. આજે સાંજે 7 કલાકે ખરાખરીનો જંગ જામવાનો છે, જેને પગલે મોટી સંખ્યામાં ફેન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.
વર્લ્ડકપની ફાઈનલ મેચ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ક્રિકેટ ફેન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટીમ ઈન્ડિયાને ચિયર કરવા માટે ધોમધખતા તાપમાં ઉમટી પડ્યા છે. જેમાં મેચ નિહાળવા માટે દ્વારકાથી આવેલા બાલકૃષ્ણ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
હકીકતમાં દ્વારકાથી 7 યુવકોનું એક ગ્રુપ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવ્યું છે. જેઓ પોતાની સાથે કનૈયાની મૂર્તિ લઈને પહોંચ્યા છે. ખાસ વાત એ છે કે, બાલકૃષ્ણના હાથમાં ભારતનો તિરંગો છે.
આ અંગે ગ્રુપના સભ્યોનું કહેવું છે કે, અમે ગ્રુપમાં સાત નહીં પરંતુ આ બાલકૃષ્ણ સાથે 8 લોકો છીએ. અમે એવી માનતા રાખી હતી કે, ભારત વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચશે, તો તેઓ કનૈયાને લઈને મેચ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે.
આખરે અમારી આસ્થા જીતી ગઈ છે. આથી તેઓ ફાઈનલ નિહાળવા ખાસ બાલકૃષ્ણને લઈને આવ્યા છે. આ સાથે જ તેમણે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી ભારત વિશ્વકપ જીતશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વારણસીના અસ્સી ઘાટમાં ભારતીય ટીમની જીત માટે હવન (India vs New Zealand T20 World Cup Final)
ધર્મનગરી વારાણસીમાં T20 વિશ્વકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા જીતે, તે માટે ક્રિકેટ ફેન્સ ટ્વારા અહીંના અસ્સી ઘાટ પર હવન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાઈનલ મેચને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ ચરમ પર છે અને ઠેર-ઠેર ક્રિકેટ પ્રેમીઓ ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આવી જ રીતે કર્ણાટકના મૈસુરુમાં ક્રિકેટ ફેન્સ દ્વારા ભારતીય ટીમ વિશ્વ ચેમ્પિયન બને તે માટે અગરાહારા સ્થિત ગણપતિ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. જેમાં ફેન્સે ભગવાન ગણપતિને નારિયેળ અર્પણ કરીને ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી છે. ક્રિકેટ ફેન્સને પુરો વિશ્વાસ છે કે, ટીમ ઈન્ડિયા જ ટ્રોફી જીતીને ચેમ્પિયન બનશે.
