આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષઃ વર્દીથી વેલફેર સુધીની વડોદરાના મહિલા જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગીની ગૌરવશાળી સફર

એમેઝોનનું રૂ. 85 લાખનું પેકેજ છોડી ‘સેવા પરમો ધર્મ’ના મંત્રને સાર્થક કરતા વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગી (નિવૃત્ત)

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Mar 2026 04:02 PM (IST)Updated: Sun, 08 Mar 2026 04:02 PM (IST)
international-womens-day-special-inspiring-story-of-lt-col-kamalpreet-saggi-from-vadodara
HIGHLIGHTS
  • વડોદરામાં પૂર્વ સૈનિકો અને વીર નારીઓની લાકડી બન્યા લેફ્ટનન્ટ કર્નલ સગ્ગી
  • ભારતીય સેના પ્રમુખે ‘વેટરન્સ એચિવર્સ એવોર્ડ’ આપી વધાવ્યું ગૌરવ

Vadodara: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે માત્ર પ્રતીકાત્મક ઉજવણી નહીં, પરંતુ લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગી જેવા સંનિષ્ઠ અધિકારીઓની મક્કમતાને સલામ કરવાનો અવસર છે. વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકે કાર્યરત આ મહિલા અધિકારીએ તાજેતરમાં ઇતિહાસ રચી દીધો છે.

ગત તા. 1 માર્ચ, 2026ના રોજ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ) દ્વારા તેમને ‘વેટરન એચીવર્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન મેળવનાર તેઓ ભારતીય સશસ્ત્ર દળના પ્રથમ મહિલા વેટરન ઓફિસર બન્યા છે, જે ગુજરાત અને સમગ્ર ભારતીય સેના માટે ગૌરવ સમાન સિદ્ધિ છે. જો કે આ સફળતા પાછળ તગડા પગારનો ત્યાગ અને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રબળ તમન્ના છુપાયેલી છે.

લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગીનો જન્મ પંજાબમાં થયો હતો, પરંતુ તેમનું હૃદય અને કર્મભૂમિ વડોદરા રહી છે. માત્ર ચાર વર્ષની નાની ઉંમરે તેઓ વડોદરા આવ્યા હતા અને તેમનું શિક્ષણ પણ સંસ્કારી નગરી વડોદરામાં જ સંપન્ન થયું છે. તેમના પરદાદી, જેમના આઠ પુત્રોએ બીજા વિશ્વયુદ્ધમાં શૌર્યનો પરિચય આપ્યો હતો અને કર્નલ સગ્ગીના પરદાદીને ‘રાજમાતા’નું બિરુદ મળ્યું હતું.

તેમના જીવનમાં શૌર્યના બીજ બાળપણમાં દૂરદર્શન પર પ્રસારિત થતી શ્રેણી ‘પરમવીર ચક્ર’ અને ‘ઉડાન’ જોઈને રોપાઈ ગયા હતા. આ શ્રેણીઓએ તેમના બાળમાનસ પર એવી અસર કરી કે તેમને જીવનની દિશા મળી ગઈ.

કવિ માખનલાલ ચતુર્વેદીની અમર પંક્તિ ‘મુઝે ઉસ પથ પર ફેંક દેના, જિસ પથ જાયે વીર અનેક…’ એ દેશભક્તિની જ્યોતને વધુ પ્રજ્વલિત કરી અને વર્ષ 1999માં તેઓએ ભારતીય સેનાની વર્દી ધારણ કરી લીધી. શ્રીનગર ખાતેની પોસ્ટિંગ દરમિયાન જ્યારે ભારે હિમવર્ષા વચ્ચે જવાનો થાકી ગયા હતા, ત્યારે લેફ્ટનન્ટ કર્નલ સગ્ગી પોતે મેદાનમાં ઉતરી જાતે ખોદકામ કરી ટીમને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. એક સાચા સૈનિકનો આ જ તો વિશેષ ગુણ હોય છે!

નિવૃત્તિ બાદ જ્યારે મોટા ભાગના લોકો આરામનું જીવન પસંદ કરતા હોય છે, ત્યારે તેમણે એમેઝોન જેવી વૈશ્વિક કંપનીમાં 85 લાખ રૂપિયાનું માતબર વાર્ષિક પેકેજ ઠુકરાવી દીધું હતું. તેમને લાગ્યું કે માત્ર આર્થિક સુખ જ જીવનનો અંતિમ ધ્યેય નથી; જે સમાજે તેમને ઘડ્યા છે, તે સૈન્ય સમુદાય માટે કંઈક કરી છૂટવું એ તેમની નૈતિક જવાબદારી છે.

વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકે ચાર્જ લીધા બાદ તેમણે કચેરીની સિકલ બદલી નાખી છે. ‘જો કચેરી ગરિમાપૂર્ણ હશે તો જ ત્યાં આવનાર પૂર્વ સૈનિક સન્માન અનુભવશે’ તેવા ઉમદા વિચાર સાથે તેમણે કચેરીનું આધુનિકીકરણ કર્યું અને પોતાની ટીમને ‘પ્રો-એક્ટિવ’ બનાવી દીધી છે. તેઓ પોતાની તમામ સફળતાઓ અને સિદ્ધિઓનો સંપૂર્ણ શ્રેય પોતાની ટીમને આપે છે, જેમના સહયોગ વિના આ પરિવર્તન શક્ય નહોતું.

તેમના અને જિલ્લા રોજગાર કચેરીના પ્રયાસોથી જ વડોદરામાં પાંચ રોજગાર મેળા યોજાયા અને વીર નારીઓને પગભર કરવા માટે IOCL અને જિલ્લા કલેક્ટરના સહયોગથી નિ:શુલ્ક સ્ટોલની સુવિધા ઊભી કરવામાં આવી છે અને વિવિધ કૌશલ્યવર્ધક કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.

naidunia_image

એ.બી.બી. જેવી ખ્યાતનામ કંપનીઓમાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને રોજગાર અપાવવામાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી છે. અંગત જીવનમાં એક પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ તેમણે હંમેશા દેશને પ્રથમ સ્થાન આપ્યું છે, જેમાં તેમના પરિવારનો મજબૂત ટેકો રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેઓ યુવા પેઢીને એક જ સંદેશ આપે છે: “તમારી જાતને લિંગના ચશ્માંથી જોવાનું બંધ કરો. તમે એક યોદ્ધા છો, અને જો મનમાં મક્કમતા હોય તો ગગન પણ ટૂંકું પડે છે”.

ભારતીય સેનામાં શિસ્ત અને સાહસની મિશાલ કાયમ કર્યા બાદ હવે વડોદરામાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે કાર્યરત લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગી (નિવૃત્ત) ની જીવનસફર ખરેખર મહિલાઓ સાથે પ્રત્યેક નાગરિકો માટે પ્રેરણારૂપ છે.