સયાજી હોસ્પિટલ વિવાદ: રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત વખતે જુનિયર તબીબોની રજૂઆત, રેગિંગ ગંભીર આક્ષેપો બાદ પ્રોફેસરની ભાવનગર બદલી

વડોદરાની સયાજી હોસ્પિટલમાં જુનિયર તબીબોએ પ્રોફેસર ડો. ચિરાગ બારોટ પર રેગિંગ અને શોષણના ગંભીર આરોપો લગાવ્યા. આરોગ્ય રાજ્યમંત્રીની મુલાકાત બાદ તાત્કાલિક કાર્યવાહી થતાં ડો. બારોટની ભાવનગર બદલી કરાઈ, જેના પર તેમના પત્નીએ સવાલો ઉઠાવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 10:38 PM (IST)Updated: Thu, 03 Sep 2026 10:38 PM (IST)
sayaji-hospital-controversy-professor-transferred-to-bhavnagar-over-ragging-allegations

Sayaji Hospital Controversy: વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં તાજેતરમાં સર્જાયેલા એક ગંભીર વિવાદે સમગ્ર રાજ્યના તબીબી આલમમાં હલચલ મચાવી દીધી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની અચાનક મુલાકાત બાદ સાયકીઆટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે જુનિયર તબીબો અને મહિલા ડોક્ટરોએ રેગિંગ તેમજ શારીરિક શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગણતરીના કલાકોમાં જ કડક પગલાં લેતાં ડો. ચિરાગ બારોટની ભાવનગર મેડિકલ કોલેજ ખાતે બદલી કરી નાખી છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા SSG હોસ્પિટલની અચાનક મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના જુનિયર અને મહિલા તબીબોએ મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી કે સાયકીઆટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ દ્વારા તેમનું સતત માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર દ્વારા મોટા પાયે રેગિંગ કરવામાં આવે છે અને સત્તાનો દુરુપયોગ કરી ભયનું વાતાવરણ ઊભું કરાય છે. આ રજૂઆત મળતાં જ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તાત્કાલિક ધોરણે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપીને માત્ર કલાકોમાં જ ડો. બારોટની વડોદરાથી ભાવનગર મેડિકલ કોલેજમાં બદલીનો હુકમ જારી કર્યો હતો.

મારા પતિ આપઘાત કરી લેશે તો કોણ જવાબદાર?- ડૉ. ધારા બારોટ

આ કાર્યવાહી બાદ વિવાદ વધુ વણસ્યો છે અને ડો. ચિરાગ બારોટના પત્ની ડો. ધરા બારોટે આ મામલે સરકાર અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારા પતિ સામેના તમામ આરોપો પાયાવિહોણા અને ખોટા છે. જો જુનિયર તબીબો પોતાની વાત રજૂ કરે તો તેને રેગિંગ ગણવામાં આવે છે, પરંતુ જ્યારે અમારા પર ખોટા આક્ષેપો લાગે ત્યારે શું અમારે કોઈ અધિકાર નથી? સરકારે એકતરફી કાર્યવાહી કરવાને બદલે અમારી રજૂઆત પણ સાંભળવી જોઈએ.

વધુમાં તેમણે સુરતના ચકચારી કિસ્સાનો ઉલ્લેખ કરી આશંકા વ્યક્ત કરી હતી કે જો આવી જ સ્થિતિ રહી તો અન્યાયના ડરથી તેમના પતિ પણ આપઘાત કરી લેશે તો તેની જવાબદારી કોની રહેશે?

આ ઘટનાએ મેડિકલ કોલેજોમાં રેગિંગ અને સિનિયર-જૂનિયર વચ્ચેના સંબંધોના પ્રશ્નો ફરી એકવાર એરણ પર મૂકી દીધા છે. એક તરફ જ્યાં જુનિયર ડોક્ટરો અને મહિલા તબીબો સુરક્ષા અને ન્યાયની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ આરોપી પ્રોફેસરના પરિવારજનો દ્વારા આક્ષેપોને રાજકીય કે પક્ષપાતી ગણાવવામાં આવી રહ્યા છે. સરકારે તાત્કાલિક બદલી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ વિવાદ હજુ પણ વણઉકેલાયેલો અને ગરમાગરમ છે, જેના કારણે તબીબી ક્ષેત્રે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.