આણંદમાં IT અને GSTના સંયુક્ત દરોડા: જાણીતી જ્વેલર્સ શોરૂમ્સ પર ત્રાટકી ટીમો, સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ

આણંદમાં આવકવેરા અને સ્ટેટ GST વિભાગે ઝવેરાત, પ્રમુખ અને રાધે જ્વેલર્સ સહિતના મોટા શોરૂમ્સ પર દરોડા પાડ્યા છે. કરચોરીની શંકાને આધારે થયેલી આ કાર્યવાહીથી સોના-ચાંદીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 10:23 PM (IST)Updated: Thu, 03 Sep 2026 10:23 PM (IST)
it-and-gst-joint-raid-in-anand-major-jewellery-showrooms-and-residences-targeted

પ્રશાંત ગજ્જર, Anand Gold Market Raid: આણંદ શહેરમાં આવકવેરા અને સ્ટેટ GST વિભાગ દ્વારા એકસાથે કરવામાં આવેલી આક્રમક દરોડાની કાર્યવાહીથી સમગ્ર જ્વેલરી બજાર અને વેપારી આલમમાં ભારે હડકંપ મચી ગયો છે. શહેરના ખ્યાતનામ જ્વેલર્સ ગણાતા ઝવેરાત, પ્રમુખ અને રાધે જ્વેલર્સ સહિતના અલગ-અલગ પ્રતિષ્ઠિત વેપારી સંકુલો અને તેના માલિકોના બંગલાઓ પર દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદના અગ્રણી ઝવેરાત જ્વેલર્સ પર આવકવેરા વિભાગે સઘન તપાસ શરૂ કરી છે. આઈટી વિભાગની ટીમે માત્ર શોરૂમ જ નહીં, પરંતુ ઝવેરાત જ્વેલર્સના માલિકના નિવાસસ્થાને અને બંગલા પર પણ સવારે જ દરોડો દઈને દસ્તાવેજોની ચકાસણી આરંભી દીધી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીથી સંકુલમાં હાજર કર્મચારીઓ અને સંચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા.

બીજી તરફ પ્રમુખ જ્વેલર્સ અને રાધે જ્વેલર્સ ખાતે સ્ટેટ GST વિભાગની ટિમોએ ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને લોકપ્રિય જ્વેલરી શોરૂમ પર GST અધિકારીઓ દ્વારા વેચાણના હિસાબો, બિલિંગ પેટર્ન, સ્ટોક રજિસ્ટર અને ટેક્સ ફાઇલિંગની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એક જ સમયે આઈટી અને GSTની સંયુક્ત અથવા સમાંતર કાર્યવાહી થતાં સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા વેપારીઓમાં પણ ભારે ગભરાટ અને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. અનેક વેપારીઓએ તો તકેદારીના ભાગરૂપે પોતાના શોરૂમના શટર પાડી દેવા મજબૂર બનવું પડ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો, બેનામી હિસાબો અને કરચોરીની શંકાના આધારે દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. ટીમો દ્વારા દુકાનો અને માલિકોના ઘરોમાંથી મળી આવેલા હિસાબી ચોપડા, કોમ્પ્યુટર ડેટા તેમજ બેંક ખાતાઓની વિગતોની આકરી ચકાસણી થઈ રહી છે.

જો કે આ લખાય છે ત્યારે વિભાગીય અધિકારીઓ દ્વારા તપાસમાં ચોક્કસ શું બહાર આવ્યું છે અને કેટલી કરચોરી પકડાઈ છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન કે આંકડો બહાર પાડવામાં આવ્યો નથી.

આણંદના જ્વેલરી સેક્ટરમાં આ પ્રકારના મોટા પાયે થયેલા દરોડાથી વેપારી આખીમાં ફફડાટની સાથે ભારે રોષ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી સમયમાં તપાસ પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે, જેના પર સમગ્ર વ્યાપારી જગતની મીટ માંડાઈ છે. આ કાર્યવાહીથી હિસાબોમાં ગેરરીતિ આચરતા તત્વોમાં મોટો ડર બેસી ગયો છે.