Mahisagar: ખારોલ ગામના યુવકને 'લૂંટેરી દુલ્હન' ભટકાઈ, મંદિરમાં લગ્ન કર્યાંના ત્રીજા જ દિવસે દાગીના અને રોકડ લઈને સગીર દુલ્હન ફરાર

સગીર દુલ્હને લગ્નના થોડા દિવસો બાદ પિતાના ઘરે જવાનું કહીને રવાના થયા બાદ તેનો મોબાઈલ ફોન સ્વિચઑફ થઈ ગયો હતો. જ્યારે યુવકના પરિવારજનો વડોદરા સ્થિત ઘરે પહોંચ્યા, તો તાળું લટકતું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 09:09 PM (IST)Updated: Thu, 03 Sep 2026 09:09 PM (IST)
mahisagar-crime-news-minor-looteri-dulhan-flees-with-cash-and-jewelry-3-days-after-temple-wedding-in-kharol
Looteri Dulhan Morbi
HIGHLIGHTS
  • SOG પોલીસે વચેટિયા અને દુલ્હનની માતાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

પ્રશાંત ગજ્જર, Mahisagar Crime News: લગ્નના નામે આચરવામાં આવતી છેતરપિંડી અને ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોઠંબા પોલીસ સ્ટેશનના ખારોલ ગામના એક યુવક સાથે માતા-પિતાની હાજરીમાં મંદિરમાં લગ્ન કર્યા બાદ, માત્ર ત્રણ જ દિવસમાં સગીર દુલ્હન રોકડ રકમ અને સોના-ચાંદીના કિંમતી દાગીના લઈને ફરાર થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ગંભીર ગુનાના પગલે મહીસાગર એસ.ઓ.જી. ની ટીમે ત્વરિત અને સઘન તપાસ હાથ ધરીને લૂંટેરી દુલ્હન સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ખારોલ ગામના યુવકના લગ્ન માટે દુલ્હનની માતા, પિતા અને એક વચેટિયા દ્વારા સુનિયોજિત ગોઠવણ કરવામાં આવી હતી. આ ઠગ ગેંગની મદદથી મંદિરમાં વિધિવત લગ્ન કરવામાં આવ્યા હતા.

લગ્નના થોડા દિવસો વીત્યા બાદ સગીરાએ તેના પતિ અને સાસરિયાઓ સમક્ષ પિતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે ઘરેથી રવાના થઈ હતી. જો કે થોડા દિવસો સુધી યુવતીનો કોઈ પત્તો ન લાગતા અને તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો.

શંકા જતાં પતિ અને તેના પરિવારજનો વડોદરા ખાતે સગીરાના પિતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મકાનને તાળું મારેલું જોવા મળ્યું હતું. પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ભોગ બનનાર યુવકે તાત્કાલિક કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને મહીસાગર એસ.ઓ.જી.ની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પેટલાદ તાલુકાના ખડલ ગામેથી વચેટિયા નટુ હિંમતલાલ ગોહિલને અને ખંભાત તાલુકાના ઉંટવેલ ગામેથી દુલ્હનની માતા નિકિતા ભરતભાઈ ચાવડાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કિસ્સામાં કાયદાના સંઘર્ષમાં આવેલી સગીર લૂંટેરી દુલ્હનને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી.

પોલીસ પૂછપરછમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, આ એક સુનિયોજિત ગુનાહિત કૌભાંડ હતું, જેમાં લગ્નના નામે ભોળા અને સિદ્ધાંતવાદી યુવકોને ટાર્ગેટ કરીને રોકડ અને કિંમતી દાગીના પડાવવામાં આવતા હતા. હાલ પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

આ કુખ્યાત ગેંગે અગાઉ પણ અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિઓને આવા જ પ્રકારે શિકાર બનાવ્યા છે કે કેમ, તેમજ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા અને હાલ ફરાર દુલ્હનના પિતાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ અને શોધખોળ ચાલી રહી છે.