Gandhinagar Shocking News: અંધશ્રદ્ધાને પગલે અનેક લોકો ભૂવાની વાતોમાં આવીને તેમજ જાદુ-ટોણાના ચક્કરમાં ફસાઈને પોતાની જાતને જ નુકસાન પહોંચાડી બેસતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે.
જેમાં 3 પુત્રીનો પિતા એવો યુવક પુત્રપ્રાપ્તિની ઘેલછામાં માનેલી માનતા પુરી કરવા 100 રૂપિયાના દરની નોટ ગળી ગયો હતો. જેને બહાર કાઢવા માટે દાંતરડાથી પોતાનું જ પેટ ચીરી નાંખ્યું હતુ.
યુવકે પુત્ર પ્રાપ્તિ માટે પ્રસાદ રૂપે દાણા સાથે આપેલી ચલણી નોટ ગળી લીધી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંતાનમાં 3 દીકરીઓ ધરાવતા 36 વર્ષીય યુવકને પુત્ર પ્રાપ્તિ માટે પ્રસાદરૂપે માતાજીના દાણા સાથે 100 રૂપિયાની ચલણી નોટ આપવામાં આવી હતી. જો કે ગત સપ્તાહે યુવક ભૂલથી દાણાની સાથે-સાથે ચલણી નોટ પણ ગળી ગયો હતો. આથી હવે પોતાને પુત્ર નહીં થાય તેવું લાગતા યુવક માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો.
આખરે ગળી ગયેલી નોટ પાછી મેળવવા માટે યુવકે દાંતરડાથી પોતાનું જ પેટ ચીરી નાંખ્યું હતુ. આખરે ગત બુધવારે લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબી તપાસમાં યુવકના આંતરડા ચીરાઈ ગયા હોવાથી દોઢથી બે કલાક સુધી જટિલ સર્જરી કરવામાં આવી હતી.
તેમજ દર્દીને ખોરાક લેવામાં તકલીફ ના પડે, તે માટે આંતરડામાં ખાસ નળી મૂકીને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં 8 દિવસ સુધી મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા બાદ હાલત સ્થિર થતાં યુવકને રજા આપવામાં આવી છે.
