વડોદરાની ત્યક્તાને નોકરીની લાલચ ભારે પડીઃ શીલી ગામના શખ્સે કેનાલ નજીક ઓરડીમાં બોલાવી દુષ્કર્મ આચર્યું; કપડા કઢાવી ફોટા પાડી લીધા

વડોદરાની એક ત્યક્તા મહિલાને ડાકોર મંદિરે નોકરીની લાલચ આપી આણંદના ઓડ ગામે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપી પરેશ ચાવડાએ ફોટા-વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી, જે બાદ ખંભોળજ પોલીસે તેની ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 07:56 PM (IST)Updated: Thu, 03 Sep 2026 07:56 PM (IST)
anand-crime-news-man-arrested-for-assaulting-and-raping-vadodara-woman-on-fake-job-offer


Anand Crime News: વડોદરા ગ્રામ્યની 37 વર્ષીય ત્યક્તા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પીડિતા ડાકોર મંદિરમાં મહિલાઓ સાથે નોકરીની શોધવા અંગે વાતો કરતી હતી, તે સાંભળીને આણંદના ઈસમે તેને ઓડ ગામે બોલાવી કેનાલ નજીકની ઓરડીમાં બળજબરીથી શરીરસબંધ બાંધ્યા હતા. આ દરમિયાન ફોટા અને વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરા જિલ્લાના એક ગામમાં રહેતી ત્યક્તા ગત પૂનમના દિવસે ડાકોર મંદિરમાં દર્શન કરવા માટે ગઈ હતી. જ્યાં રાતે મંદિર પરિસરમાં પીડિતાએ અન્ય મહિલાઓને નોકરીની જરૂરિયાત હોવાથી કોઈ કામ મળે તો જણાવવા અંગે વાત કરી હતી. આ સમયે ત્યાં ઉપસ્થિત પરેશ ચાવડા નામનો યુવક પીડિતાની પાસે આવ્યો હતો અને મહી કેનાલમાં નોકરી અપાવી દેવાની ખાતરી આપીને મોબાઈલ નંબર લઈ લીધો હતો.

બીજા દિવસે પરેશ ચાવડાએ પીડિતાને ફોન કરીને નોકરીના કામ માટે ઓડ ગામે બોલાવી હતી. જ્યાં પહોંચતા પરેશ મહિલાને બાઈક પર બેસાડીને કેનાલ નજીકની એક ઓરડીમાં લઈ ગયો હતો. આ ઓરડીમાં પડેલા ચોપડા બતાવીને તેમાં નોંધ કરવાનું જણાવીને પીડિતાને અંદરના ભાગમાં લઈ ગયો હતો.

જ્યાં આરોપીએ પીડિતાને ફટકારીને પરાણે કપડા ઉતરાવી દીધા હતા. જે બાદ પોતાના મોબાઈલમાં ફોટો અને વીડિયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતુ. હવસ સંતોષ્યા બાદ આરોપી મહિલાને ઓડ ચોકડી નજીક ઉતારીને ભાગી ગયો હતો.

આ મામલે પીડિતાએ પોતાના પરિવારજનોને જાણ કરતાં તેમણે હિંમત આપતા આખરે સમગ્ર મામલો ખંભોળજ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી પરેશ ચાવડાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી પરેશ ચાવડા શીલીના દેવરામપુરા વિસ્તારમાં રહે છે અને કોન્ટ્રાક્ટ હેઠળ કેનાલની દેખરેખનું તેમજ નહેરના દરવાજા ખોલવા-બંધ કરવાનું કામ કરે છે.