વડાપ્રધાન મોદી 11 મેએ વડોદરામાંઃ વાઘોડિયા રોડ પર રૂ.150 કરોડના ખર્ચે નિર્મિત 'સરદારધામ' છાત્રાલયનું લોકાર્પણ કરશે

ચૂંટણી વિજય બાદ વડાપ્રધાન પ્રથમવાર વડોદરા આવી રહ્યા હોવાથી તેમનું અભૂતપૂર્વ અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Apr 2026 06:32 PM (IST)Updated: Wed, 29 Apr 2026 06:32 PM (IST)
pm-modi-to-visit-vadodara-on-may-11-inauguration-of-rs-150-crore-sardar-dham-hostel-on-waghodia-road
HIGHLIGHTS
  • જશપાલસિંહ પઢીયારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલ્યું

Vadodara: વડોદરાના આંગણે આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે. ચૂંટણીના ભવ્ય પરિણામો બાદ વડાપ્રધાનની આ પ્રથમ વડોદરા મુલાકાત હોવાથી વહીવટી તંત્ર અને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાનના હસ્તે નેશનલ હાઈવે-8, વાઘોડિયા રોડ પર નોલેજ સીટી પાસે તૈયાર થયેલા મધ્ય ગુજરાતના 'સરદારધામ' છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે.

રૂ.150 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય સંકુલ

મધ્ય ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે આ આધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં કુલ 2000 દીકરા-દીકરીઓ માટે રહેવા અને અભ્યાસ માટેની તમામ શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં આ લોકાર્પણ વિધિ 11મી મેના રોજ સાંજે 4:30 કલાકે યોજાશે.

વિવિધ ભવનોનું લોકાર્પણ

આ કાર્યક્રમ અંતર્ગત 'ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ'નું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થશે. જેમાં નીચે મુજબના છાત્રાલયોનો સમાવેશ થાય છે.

  • ઉદા ભગત પાટીદાર સમાજ કન્યા છાત્રાલય-1
  • ઘનશ્યામભાઈ બી. પટેલ કન્યા છાત્રાલય-2
  • લાભુબેન લીંબાભાઈ કુમાર છાત્રાલય-1
  • પારૂલ ઘનશ્યામલાલ કુમાર છાત્રાલય-2

ભવ્ય અભિવાદન અને મહાનુભાવોની ઉપસ્થિતિ

ચૂંટણી વિજય બાદ વડાપ્રધાન પ્રથમવાર વડોદરા આવી રહ્યા હોવાથી તેમનું અભૂતપૂર્વ અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સમગ્ર મધ્ય ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે.

વાઘોડિયા રોડ પર તડામાર તૈયારીઓ

લોકાર્પણના સ્થળ એટલે કે વાઘોડિયા રોડ, નોલેજ સીટી પાસે હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આ છાત્રાલય આગામી સમયમાં મધ્ય ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.