ગૂગલ પર મળેલા કસ્ટમર કેર નંબરથી સાવધાન: PhonePeના રૂ. 5500 રિફંડ લેવા જતાં વડોદરાના નિવૃત્ત અધિકારીએ રૂ. 81,360 ગુમાવ્યા

વડોદરામાં એક નિવૃત્ત રેલવે અધિકારી ગૂગલ પરથી મળેલા બોગસ કસ્ટમર કેર નંબર દ્વારા સાયબર ઠગાઈનો ભોગ બન્યા. PhonePeના ફેલ થયેલા ટ્રાન્ઝેક્શનના રિફંડના બહાને ઠગોએ તેમની પાસેથી ₹81,360 પડાવી લીધા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 03 Oct 2026 08:02 PM (IST)Updated: Sat, 03 Oct 2026 08:02 PM (IST)
phonepe-refund-fraud-vadodara-senior-citizen-loses-rs-81k-to-fake-customer-care-scam

Vadodara Cyber Fraud: વડોદરામાં ગૂગલ પરથી મળેલા બોગસ કસ્ટમર કેર નંબરના આધારે સાયબર ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગોરવા વિસ્તારમાં રહેતા અને રેલવેના નિવૃત્ત સિનિયર સેક્શન એન્જિનિયર પાસેથી PhonePeનું ફેલ થયેલું રૂ. 5,500નું ટ્રાન્ઝેક્શન રિફંડ કરાવવાના બહાને સાયબર ઠગોએ ચાલાકીપૂર્વક રૂ. 81,360ની રકમ પડાવી લીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોરવા પંચવટી વિસ્તારમાં રહેતા સમદનૂર નુરૂલહસન ખાન (60) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં પેન્શન ખાતું ધરાવે છે. તા. 23 સપ્ટેમ્બરના રોજ બપોરે તેમણે ફોનપે મારફતે કરેલું રૂ. 5500નું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું. આમ છતાં તેમના બેન્ક ખાતામાંથી નાણાં કપાઈ ગયા હતા. આ અંગે તેઓ છાણી સ્થિત SBI બ્રાન્ચ પર ગયા હતા, જ્યાં બેન્ક કર્મચારીએ તેમને UPI સંબંધિત સત્તાવાર કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા જણાવાયું હતું.

ઘરે પરત આવ્યા બાદ તેમણે ગૂગલ પર UPI કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો, ત્યાંથી મળેલી પ્રથમ લિંક પરના નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ પોતે UPI કસ્ટમર કેર પ્રતિનિધિ હોવાની ઓળખ આપી નાણાં રિફંડ કરવાની ખાતરી આપી હતી.

વાતચીત દરમિયાન શંકા જતાં તેમણે ફોન કાપી નાખ્યો હતો, પરંતુ થોડીવાર બાદ ઠગોએ વોટ્સએપ કોલ કરી રિફંડ પ્રક્રિયા ચાલુ હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા.

ઠગોએ તેમને ફોનપે એપ ઓપન કરી એક ચોક્કસ UPI ID નાખવા અને આગળની પ્રક્રિયા કરવા જણાવ્યું હતું. નિવૃત્ત અધિકારીએ ઠગોની સૂચના મુજબ UPI PIN દાખલ કરતાં જ તેમના SBI ખાતામાંથી રૂ. 81,360 ઉપડી ગયા હતા. બેન્કની YONO એપમાં ચેક કરતાં છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં તેઓ તુરંત બેન્ક પહોંચ્યા હતા.

બેન્કની સલાહ મુજબ તેમણે રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.