Vadodara News: સંસ્કારી નગરી અને ઉત્સવપ્રિય શહેર વડોદરામાં આદ્યાશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. વડોદરાના વિશ્વપ્રસિદ્ધ ગરબા મહોત્સવને સુરક્ષિત અને નિર્વિધ્ને સંપન્ન કરાવવા માટે તંત્ર તેમજ આયોજકો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મોટા ગરબા આયોજકોએ ખેલૈયાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં વડોદરા ફાયર બ્રિગેડ પાસે ફાયર સેફ્ટી માટેની પરવાનગી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
12 ગરબા આયોજકોએ કરી અરજી
મળતી માહિતી મુજબ, વડોદરા ફાયર બ્રિગેડ વિભાગ પાસે અત્યાર સુધીમાં શહેરના 12 જેટલા મુખ્ય ગરબા આયોજકોએ ફાયર NOC માટે અરજી કરી છે. જેમાં શહેરના સુપ્રસિદ્ધ અને વિશાળ જનમેદની ધરાવતા ગરબા આયોજનોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નવલખી મેદાન ખાતે યોજાતા VNF, યુનાઇટેડ વે ઓફ વડોદરા, બીટા ગરબા ગ્રુપ તેમજ અન્ય જાણીતા મંડળો દ્વારા ફાયર વિભાગ પાસે વિધિવત પરવાનગી માંગવામાં આવી છે.
કઈ કઈ બાબતો ચકાસ્યા બાદ અપાશે NOC
નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો એકઠા થતા હોય છે. આ પરિસ્થિતિમાં કોઈ અણબનાવ ન બને અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ફાયર વિભાગ દ્વારા ગ્રાઉન્ડની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ગ્રાઉન્ડ પર ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણીની સુવિધા, અને કટોકટીના સમયે ફાયર ફાઇટર વાહનો સરળતાથી પહોંચી શકે તેવી જગ્યા છે કે નહીં તે તમામ બાબતો ચકાસ્યા બાદ જ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવશે.
તંત્ર અને આયોજકો દ્વારા જરૂરી પગલાં
ગરબા આયોજકો દ્વારા પણ પંડાલ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને સાઉન્ડ સિસ્ટમમાં સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે. વડોદરાની નવરાત્રી તેની ભવ્યતા અને પરંપરા માટે વિશ્વભરમાં જાણીતી છે, ત્યારે આ વર્ષે પણ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે માટે તંત્ર અને આયોજકો દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
