Vadodara News: વડોદરા શહેરના ગીચ વિસ્તાર ગણાતા તુલસીવાડી નજીક આવેલી એક લાકડા અને ભંગારની વખારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે અફરાતફરી અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે અચાનક તણખા ઝરતાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ગાદલાની દુકાનમાં આગ લાગતાં અફરાતરફરી
આ પણ વાંચો
જગ્યા પર મોટા પ્રમાણમાં લાકડાં અને ભંગારનો જથ્થો સંગ્રહિત હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા હતા. જોતજોતામાં આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી ગાદલા-ગાદલાંની દુકાનને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ગાદલાની દુકાનમાં રહેલો જથ્થો પણ અત્યંત જ્વલનશીલ હોવાથી આગ વધુ પ્રસરી હતી, જેના કારણે ગાદલાની દુકાન માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દુકાનમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ લીધો
ઘટના અંગે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક રહીશ અને વેપારીઓએ ફાયર ફાઇટરોની રાહ જોયા વિના સરાહનીય તત્પરતા દાખવી હતી. સ્થાનિક લોકોએ પોતાના સ્તરે પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. રહેવાસીઓના ભગીરથ પ્રયાસો અને સતત પાણીના મારા બાદ આખરે આગ વધુ પ્રસરતી અટકી હતી અને તેના પર કાબૂ મેળવી શકાયો હતો.
સ્થાનિકોએ લગાવ્યો આક્ષેપ
ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે, ફાયર બ્રિગેડની ટીમ ઘટના અંગે જાણ કર્યા બાદ પણ કંટ્રોલ રૂમથી સમયસર પહોંચી નહોતી અને મોડી આવી હતી. જો સ્થાનિકોએ સમયસર પાણીનો મારો ચલાવી હિંમત ન દાખવી હોત તો આસપાસની અન્ય દુકાનો અને મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
જાનહાનિ ટળતાં લોકોએ રાહત અનુભવી
સૌથી રાહતની વાત એ છે કે, આ ભયાનક અકસ્માત અને અફરાતફરી વચ્ચે પણ સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તમામ લોકો સમયસર સલામત સ્થળે ખસી ગયા હોવાથી મોટી હોનારત ટળી હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસે પણ સ્થળ પર પહોંચી જરૂરી કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
