વડોદરા: પાદરામાં કેન્સર પીડિતને માર મારવાનો મામલો, મોઢાની ગાંઠ ફાટી; BJP મહિલા કોર્પોરેટરના પતિ-સસરા સામે એટ્રોસિટીની FIR

આ ઘટના અંગે વડું પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 07:50 PM (IST)Updated: Thu, 26 Nov 2026 07:50 PM (IST)
padra-bjp-woman-corporator-husband-and-father-assault-cancer-patient-in-vadodara

Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકાના BJP મહિલા કોર્પોરેટર મોના પટેલના પતિ અને સસરા સામે એક કેન્સરગ્રસ્ત દર્દીને માર મારવાના આરોપસર પોલીસ ફરિયાદ થઈ હતી. આ હુમલામાં ભોગ બનનાર દર્દીને મોઢાના ભાગે રહેલી કેન્સરની ગાંઠ ફાટી ગઈ હોવાના પરિવારજનોના આક્ષેપ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઘટના અંગે વડું પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કેન્સર પીડિત દર્દીને માર મારવાનો આરોપ

વડું પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ, પાદરા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર મોના પટેલના પતિ જીજ્ઞેશ પટેલ અને સસરા ગીરીશભાઈ પટેલ દ્વારા કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભોગ બનનાર વ્યક્તિ પહેલેથી જ મોઢાના કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પીડિત દર્દીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, માર મારવાની ઘટના દરમિયાન ઈજા પહોંચવાના કારણે દર્દીના મોઢાના ભાગે રહેલી કેન્સરની ગાંઠ ફાટી ગઈ હતી, જેનાથી તેમને અસહ્ય પીડા અને રક્તસ્રાવ થવા લાગ્યો હતો.

કેન્સરની ગાંઠ ફાટી જતા લેવી પડી સારવાર

આ ઘટના બાદ દર્દીની હાલત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે. એક લાચાર અને ગંભીર બીમારીથી પીડાતા દર્દી પર થયેલા કથિત હુમલાને લઈને સ્થાનિક સ્તરે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

બે આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR

આ મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા વડું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જીજ્ઞેશ પટેલ અને ગીરીશ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ મારપીટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે નિવેદનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી તેજ કરી છે.