Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકા અને શહેર કોંગ્રેસ સંગઠનમાં મોટું ભંગાણ સર્જાયું છે. સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર રૂપે પાદરા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પક્ષનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી નો કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં પાદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સીધો પડકાર ફેંકતા રાજકીય માહોલ ગરમાયો છે.
ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
આ પણ વાંચો
મળતી વિગતો અનુસાર, પાદરા શહેર અને તાલુકા કક્ષાના કોંગ્રેસના અગ્રણી આગેવાનો, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને પાયાના કાર્યકરોએ ભાજપની વિચારધારા અને વિકાસ કાર્યોથી પ્રેરાઈને પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ભાજપના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રવેશ કાર્યક્રમમાં તમામ નવા સદસ્યોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓના પક્ષપલટાને કારણે પાદરા પંથકમાં કોંગ્રેસના સંગઠનને મોટો ફટકો પડ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ધારાસભ્ય ચૈતન્યસિંહે રાહુલ ગાંધીને ચર્ચા કરવા પડકાર ફેંક્યો
આ પ્રસંગે સભાને સંબોધતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને ખુલ્લી ચર્ચા (ડિબેટ) માટે ચેલેન્જ આપી હતી. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધીની લોકસભામાં તો ચર્ચા કરવાની હિંમત નથી, પરંતુ દેશના મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચર્ચા કરવા માટે આમંત્રણ આપી રહ્યાં છે. ત્યારે હું રાહુલ ગાંધીને કહેવા માગું છું કે, પીએમ મોદી તો બહુ દૂરની વાત છે. જો ચર્ચા કરવી હોય તો આ ધારાસભ્ય જ તેમને કાફી છે. આ ધારાસભ્યની પણ જરૂર નહી પડે આજે હું રાહુલ ગાંધીને ચેલેન્જ કરું છું કે, અહીં બેસેલા કોઇપણ કાર્યકર્તા સાથે ચર્ચા કરી બતાવે. અમારો અહીં બેસેલો કાર્યકર્તા જ રાહુલ ગાંધીને કાફી છે. અમારા નરેન્દ્ર મોદીને આવવાની જરૂર નહીં પડે.
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના આ નિવેદન અને કોંગ્રેસના સદસ્યોના ભાજપ પ્રવેશને પગલે વડોદરા જિલ્લાના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. એક તરફ ભાજપ દ્વારા આ ઘટનાક્રમને સંગઠનની મજબૂતી ગણાવવામાં આવી રહી છે, તો બીજી તરફ આગામી સમયમાં સ્થાનિક રાજકીય સમીકરણો પર તેની શું અસર પડે છે તેના પર સૌની નજર રહેશે.
