નવરાત્રિમાં પરંપરાગત લૂક માટે જૂના સિક્કાનો ક્રેઝ: વડોદરાના ફેશન ડિઝાઇનરે તાંબા, પિત્તળ અને સિલ્વરના સિક્કાઓમાંથી બનાવી આકર્ષક જ્વેલરી

વડોદરાના ફેશન ડિઝાઇનર સુનિતા રાહુલ ઠાકરે નવરાત્રિ માટે જૂના તાંબા, પિત્તળ અને સિલ્વરના સિક્કાઓમાંથી આકર્ષક અને લાઇટવેઇટ જ્વેલરીનું યુનિક કલેક્શન તૈયાર કર્યું છે. આ પરંપરાગત આભૂષણોમાં કોડી, ઘૂઘરી અને રેશમની દોરીઓનો ઉપયોગ કરીને પ્રાચીન કળાને આધુનિક ફેશન સાથે જોડીને ખેલૈયાઓ માટે નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 06:47 PM (IST)Updated: Sun, 04 Oct 2026 06:47 PM (IST)
old-coin-jewellery-craze-in-vadodara-for-navratri-copper-brass-and-silver-traditional-accessories

Vadodara: નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન ગરબાના રસિકો અને ખેલૈયાઓમાં અન્યથી અલગ અને આકર્ષક દેખાવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને યુવતીઓ અને ખેલૈયાઓ પરંપરાગત ચણિયા-ચોળી સાથે બંધબેસતી આર્ટિફિશિયલ અને ટ્રેન્ડી જ્વેલરીની પસંદગી કરતા હોય છે. આ વર્ષે નવરાત્રિમાં દેખાવમાં અત્યંત ભવ્ય અને ભારે લાગતી પરંતુ વજનમાં એકદમ લાઈટવેઈટ જ્વેલરીનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં જૂના જમાનાના તાંબા, પિત્તળ અને સિલ્વરના સિક્કાઓનો ઉપયોગ કરીને અદભુત ઓર્નામેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

શહેરના સેવાસી વિસ્તારમાં રહેતા અને અકોટા ખાતે પોતાનો ફેશન સ્ટુડિયો ધરાવતા ફેશન ડિઝાઇનર સુનિતા રાહુલ ઠક્કરે આ વર્ષે જૂના ચલણી સિક્કાઓનો ઉપયોગ કરીને નવરાત્રિ માટે યુનિક કલેક્શન તૈયાર કર્યું છે. તેમણે વિવિધ મેટલના સિક્કાઓમાંથી ગળાના સેટ, બુટ્ટીઓ, પાટલા, વીંટી, માથાની સેર, કંદોરો અને પાયલ જેવા પરંપરાગત આભૂષણો બનાવ્યા છે.

આ જ્વેલરીને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં કોડી, ઘૂઘરી, શંખ અને રંગબેરંગી રેશમની દોરીઓનું બારીક હાથવણાટ (હેન્ડકાર્વિંગ) કરવામાં આવ્યું છે, જે ઓર્નામેન્ટ્સની શોભામાં સોનામાં સુગંધ ભળે તેમ વધારો કરે છે.

આ યુનિક જ્વેલરી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા જૂના જમાનાના સિક્કા એકત્રિત કરવા પાછળ પણ મોટો પરિશ્રમ રહ્યો છે. સુનિતાબેને આ સિક્કા દેશભરના જુદા જુદા સંગ્રાહકો પાસેથી મેળવ્યા છે. જેમાં અંજાર, કચ્છ-ભુજ, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, રાજસ્થાનના જયપુર, જોધપુર અને ઉદયપુર સહિત અમદાવાદના માણેક ચોક અને ઢાલગરવાડ તેમજ વડોદરાના મંગળબજાર અને નાગરવાડા જેવા પ્રખ્યાત વિસ્તારોનો સમાવેશ થાય છે.

સુનિતા ઠક્કરે જણાવ્યું કે, તેઓ વર્ષ 2021થી વડોદરામાં દરવર્ષે નવરાત્રિ માટે અવનવા ક્રિએટિવ આઇડિયા સાથે ઓર્નામેન્ટ્સ તૈયાર કરે છે. ભૂતકાળમાં પણ મહિલાઓ કાણિયો પૈસો, પાંચ પૈસા અને પચ્ચીસ પૈસા જેવા ધાતુના સિક્કાઓમાંથી હેરપીન, બુટ્ટી, નેકલેસ અને બાજુબંધ બનાવીને પહેરતી હતી. આ જ પ્રાચીન અને પરંપરાગત કળાને આધુનિક ફેશન સાથે જોડીને આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે એક નવું જ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.