વડોદરાની MSU ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં 7 દાયકા જૂના પરંપરાગત ગરબા, ડીજે-માઇક વગર સાદગીનો અનોખો સંગમ

વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે 7 દાયકા જૂના પરંપરાગત ગરબા યોજાય છે. અહીં માઇક કે ડીજે વગર, કુદરતી સાદે અને પરંપરાગત વાદ્યો સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે, જે સાદગી અને સંસ્કૃતિનો અનોખો સંગમ દર્શાવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 08:56 PM (IST)Updated: Wed, 14 Oct 2026 08:56 PM (IST)
ms-university-fine-arts-faculty-garba-vadodaras-70year-tradition-without-dj-and-mics

Vadodara Garba : આજના આધુનિક સમયમાં જ્યાં શેરી ગરબાઓમાં પણ મોટા સાઉન્ડ સ્પીકર્સ, ડીજે અને ઝાકઝમાળ રોશનીનો ઉપયોગ સામાન્ય બની ગયો છે, ત્યારે વડોદરામાં એક એવા ગરબા પણ રમાય છે, જે પોતાની 7 દાયકા જૂની સાદગી અને પ્રાચીન પરંપરાને આજે પણ જીવંત રાખે છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ 'ફાઇન આર્ટસ ફેકલ્ટી' ખાતે યોજાતા આ ગરબામાં નથી કોઈ માઇકની જરૂર પડતી કે નથી સાઉન્ડ સિસ્ટમનો ઘોંઘાટ. આમ છતાં પણ અહીં સેંકડો ખેલૈયાઓ મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમે છે.

1954-55થી ચાલી આવતી ભવ્ય પરંપરા

આ અનોખા અને પ્રાચીન ગરબાની શરૂઆત વર્ષ 1954-55માં જાણીતા કલાકાર અને ફાઇન આર્ટસ ફેકલ્ટીના તત્કાલીન પ્રોફેસર જ્યોતિ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી આ પરંપરા આજે વડોદરાની સાંસ્કૃતિક ઓળખનો એક અવિભાજ્ય ભાગ બની ગઈ છે. અહીં ગરબા રમવા આવતા ખેલૈયાઓ પણ કોઈપણ પ્રકારના આડંબર વિના શુદ્ધ ભાતીગળ અને પરંપરાગત પોશાકમાં જ સજ્જ થઈને આવે છે.

માઇક વિના મા અંબાની સ્તુતિ અને પરંપરાગત વાદ્યો

અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે, ગાયકો માઇક કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર જ પોતાના કુદરતી સાદે માતાજીના પ્રાચીન ગરબા અને સ્તુતિઓનું ગાન કરે છે. સાથોસાથ, સંગીત આપતા વાદકો પણ કોઈ આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ વગર માત્ર પરંપરાગત વાદ્યો જેવાં કે ઢોલ, કરતાલ, કાંસા જોડી, શંખ, ઘંટડી અને હાર્મોનિયમનો ઉપયોગ કરીને સંગીતની મધુર રમઝટ બોલાવે છે.

આજના ડીજે અને ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર, કુદરતી વાતાવરણમાં ભક્તિ અને સંસ્કૃતિનો સાચો સંગમ અહીં જોવા મળે છે. સાદગીમાં જ સાચો આનંદ છે તે વાત ફાઇન આર્ટસ ફેકલ્ટીના આ ગરબા દર વર્ષે સાબિત કરે છે, જેને કારણે જ આજે પણ તે વડોદરાવાસીઓ અને યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.