સાવલીના ટુંડાવ ગામે સતત ચોથા નોરતે પણ અંધારપટ્ટઃ નવરાત્રીમાં જ વીજ પૂરવઠો ખોરવાતા ખેલૈયાઓ સહિત ગ્રામજનો અકળાયા

વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે નવરાત્રિના ચાર દિવસથી વીજળી ગુલ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ છે. MGVCLની બેદરકારીને કારણે આરતી-ગરબા અંધારામાં કરવા પડ્યા અને જીવંત વાયર તૂટતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 09:42 PM (IST)Updated: Wed, 14 Oct 2026 09:42 PM (IST)
vadodara-news-power-outage-in-savlis-tundav-village-on-4th-day-of-navratri-sparks-anger

Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ટુંડાવ ગામના વણકર વાસમાં પવિત્ર આસો નવરાત્રીના પ્રારંભથી આજે ચોથા દિવસે પણ અંધારપટ છવાયેલો રહેતાં વીજળીના ધાંધિયા સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આધ્યાત્મિક અને ઉલ્લાસના પર્વ નવરાત્રિ દરમિયાન જ સતત વીજ પુરવઠો ખોરવાઈ જતાં ગામના લોકો અને મા જગદંબાના ભક્તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

વીજળી ગુલ થઈ જવાને કારણે ગામના વણકર વાસમાં માતાજીની આરતી અને ગરબા પણ અંધારામાં કરવાની નોબત આવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસથી સતત ચોથા દિવસ સુધી આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામતાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની (MGVCL)કામગીરી સામે સ્થાનિકો દ્વારા તીવ્ર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તહેવારના સમયે જ વીજળી ગુલ થઈ જતાં ખેલૈયાઓની ઉત્સાહભરી આરાધનામાં મોટું વિઘ્ન ઊભું થયું છે.

MGVCL તંત્રની ઘોર બેદરકારી અને કર્મચારીઓનો બેજવાબદાર અભિગમ

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવા અંગે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને અનેક વખત ટેલિફોનિક તથા રૂબરૂ જાણ કરવામાં આવી છે. આમ છતાં કર્મચારીઓ દ્વારા પરિસ્થિતિનો ઉકેલ લાવવાને બદલે માત્ર ઊડાવ જવાબો આપીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જીવંત વીજ વાયર તૂટી પડતાં મોટા અકસ્માતનો ભય

પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે આજે સાંજના સમયે ગામમાં વીજ થાંભલા પરથી એક જીવંત વીજ વાયર અચાનક તૂટીને જમીન પર પટકાયો હતો. નવરાત્રિના તહેવાર દરમિયાન શેરીઓમાં બાળકો અને લોકોની અવરજવર વધુ હોય છે, ત્યારે આ રીતે સક્રિય વીજ વાયર ખુલ્લામાં પડ્યો હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. MGVCL તંત્રની આ ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં વીજ કંપનીના કોઈ પણ કર્મચારી હજુ સુધી સમારકામ માટે સ્થળ પર પહોંચ્યા નથી.

તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત્ કરવા માગ

તહેવારના સમયે જ MGVCL ની લાલિયાવાડીથી કંટાળેલા ટુંડાવ ગામના વણકર વાસના લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી છે. ગ્રામજનોની સ્પષ્ટ માગણી છે કે MGVCL તંત્ર તાત્કાલિક ધોરણે તૂટેલા વાયરનું સમારકામ કરે અને ગામમાં વીજ પુરવઠો પૂર્વવત્ સુચારૂ રૂપે શરૂ કરે, જેથી નવરાત્રિનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવી શકાય.