Vadodara: છાણી બ્રિજ નજીક બાઈકના ગોડાઉનમાં ભીષણ આગ, 86 જેટલી નવી બાઈકો રાખમાં ફેરવાઈ

બાઈકમાં પેટ્રોલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગે 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 04:29 PM (IST)Updated: Wed, 25 Feb 2026 04:30 PM (IST)
massive-fire-near-chhani-bridge-in-vadodara-86-new-bikes-reduced-to-ashes
HIGHLIGHTS
  • આગના પગલે ગોડાઉનના માલિકને લાખો રૂપિયાનું નુકસાન

Vadodara: વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ફરી એક વખત ભીષણ આગની ઘટના સામે આવી છે. છાણી બ્રિજ નજીક GSFC કંપની સામે આવેલા હરિભાઈ એસ્ટેટ ખાતે બાઈકના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગોડાઉનની અંદર પાર્ક કરેલી બાઈકોમાં અચાનક આગ લાગી હતી. આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખવામાં આવેલી મોટાભાગની નવી બાઈકો આગની ચપેટમાં આવી ગઈ હતી. જેમાં કુલ 86 બાઈકો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

આ બનાવની જાણ થતા જ ટીપી-13 ફાયર સ્ટેશન સહિત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બાઈકમાં પેટ્રોલ અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદાજે બે કલાકના પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન મોટાપાયે થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટ અથવા અન્ય તકનીકી ખામી સંભાવિત કારણ હોઈ શકે છે, જોકે અધિકૃત માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.

ટીપી-13 ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર મુકુંદરાજ પટેલે જણાવ્યું હતું કે, આગની જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.