Vadodara News: વણાંકબોરી વિયરમાંથી 3.25 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા મહી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ સર્જાયો છે. ભારે આવકને કારણે મહી નદીએ સાગર જેવું સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી હોવાથી ખેડા અને આણંદ જિલ્લાના મહી કાંઠે આવેલા ગામોને જિલ્લા પ્રશાસન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો પુલ પાણીમાં ઘરકાવ થઈ ગયો છે. આ કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે. જિલ્લા કલેક્ટર દ્વારા કાંઠા વિસ્તારના ગામોના સરપંચો અને તલાટીઓને તેમના સ્થળ પરથી નહીં હલવા તેમજ પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

ગામમાં આવેલું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું
બીજી તરફ, મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી પણ લાખો ક્યુસેક પાણી છોડાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. નદીના બંને કાંઠે આવેલા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. વડોદરા જિલ્લાના સિંધરોટ ગામમાં મહીસાગર નદીનું પાણી પ્રવેશતા ગ્રામજનો પોતાના ઘરો ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસ્યા છે. ગામમાં આવેલું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે.
હાલમાં સ્થિતિ પર નજર રાખવા પ્રશાસન તંત્ર સતર્ક છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વરસાદ અને ઉપરવાસમાંથી વધતી આવકને કારણે નદીનો પ્રવાહ વધુ વધી શકે છે, જેથી લોકોને સાવધ રહેવાની ચેતવણી અપાઈ છે.

કડાણા ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા
ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની પ્રચંડ આવકને પગલે મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાં 2,54,315 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જોકે એક અન્ય સ્ત્રોત મુજબ 2,56,315 ક્યુસેક આવક થઈ રહી છે. ડેમમાંથી મહી નદીમાં 2,29,373 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડવાના કારણે મહી નદી હાલમાં બે કાંઠે વહેતી થઈ છે અને તેણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે.