વડોદરામાં ચાર વર્ષ બાદ મહંત સ્વામી મહારાજનું આગમન, વડોદરા BAPS મંદિરમાં સ્વાગત સભા યોજાઈ

વડોદરા BAPS મંદિરમાં 10 હજારથી વધુ ભક્તોની હાજરીમાં ભવ્ય સ્વાગત સભા યોજાઈ હતી. આગામી 2 ફેબ્રુઆરીના રોજ 92મી જન્મજયંતીની ઉજવણી થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Jan 2026 09:12 AM (IST)Updated: Mon, 19 Jan 2026 09:12 AM (IST)
mahant-swami-maharaj-arrives-in-vadodara-welcome-meeting-vadodara-baps-temple
HIGHLIGHTS
  • ચાર વર્ષ બાદ વડોદરામાં મહંત સ્વામી મહારાજનું આગમન
  • આ તકે વડોદરા BAPS મંદિરમાં ભવ્ય સ્વાગત સભા યોજાઈ
  • મહંત સ્વામી મહારાજ 34 દિવસ સુધી વડોદરામાં નિવાસ કરશે

Mahant Swami Vadodara visit: ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) વડા મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) શુક્રવારે વડોદરા પધાર્યા હતા. તેમના આગમન પ્રસંગે રવિવારે સાંજે અટલાદરા સ્થિત BAPS મંદિર પરિસરમાં વિશેષ સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા BAPS મંદિરમાં સ્વાગત સભા યોજાઈ

રવિવારે સાંજે અટલાદરા સ્થિત BAPS મંદિર (BAPS Temple) પરિસરમાં વિશેષ સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 હજારથી વધુ ભાવિક ભક્તોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. આ સભા સામાન્ય રવિવારની સભાના સ્વરૂપે આયોજિત કરવામાં આવી હતી, જેથી તમામ ભક્તોને સહભાગી થવાનો અવસર મળી રહે.

મહંત સ્વામીનું વૈશ્વિક સેવાકાર્ય 

ગત ચાર વર્ષ દરમિયાન મહંત સ્વામી મહારાજે વિશ્વના પાંચેય ખંડોમાં સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કાર્યોને નવી દિશા આપી છે. આફ્રિકા ખંડમાં જ્હોનિસબર્ગથી લઈ ઓસ્ટ્રેલિયા ખંડના સિડની સુધી નિર્માણાધીન નૂતન મંદિરોના બાંધકામને વેગ મળ્યો છે. અમેરિકા ખંડમાં રોબિન્સવિલ ખાતે અક્ષરધામનું ભવ્ય ઉદ્ઘાટન થયું, યુરોપ ખંડમાં લંડન ખાતે સત્સંગ પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો અને એશિયા ખંડના અબુધાબીમાં મંદિર પ્રતિષ્ઠા સંપન્ન થઈ. 

34 દિવસ સુધી વડોદરામાં રોકાણ

આ વૈશ્વિક સેવાકાર્ય બાદ મહંત સ્વામી મહારાજ આગામી 34 દિવસ સુધી વડોદરામાં નિવાસ કરશે. આ રોકાણ દરમિયાન દરરોજ સવારે 6 વાગે પ્રાતઃ પૂજા-દર્શન તથા સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી સાયં સભાનું આયોજન કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં વિશેષ આકર્ષણ 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાતી મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી રહેશે.

ભક્તોએ પુષ્પમાળા અને ભોજન અર્પણ કર્યું

સામાન્ય રીતે ભક્તોની ભાવના હોય છે કે તેઓ જાતે ભગવાન કે ગુરુને પુષ્પહાર, ભોજન અર્પણ કરી આરતી ઉતારે, પરંતુ અલ્પ સમય અને વિશાળ ભક્ત સમુદાયને ધ્યાનમાં રાખીને સંતોએ અનોખું આયોજન કર્યું હતું. તમામ ભક્તો પોતાની સાથે પુષ્પમાળા અને મનપસંદ વ્યંજન લઈને આવ્યા હતા, અને પોતાના સ્થાનેથી જ ભગવાનની પ્રતિમા તથા મહંત સ્વામી મહારાજને અર્પણ કર્યા હતા. આ ક્ષણે મંદિર પરિસરમાં અદ્ભુત અને ભાવવિભોર દૃશ્ય સર્જાયું હતું.

સમૂહ કીર્તન અને સામૂહિક આરતી

અંતે 10 હજારથી વધુ ભક્તોએ એક સાથે સમૂહ કીર્તન અને સામૂહિક આરતી કરીને ભક્તિભાવની પરાકાષ્ઠા અનુભવી હતી. આ સમગ્ર પ્રસંગે વડોદરા BAPS મંદિર (Vadodara BAPS Temple) પરિસરમાં આધ્યાત્મિકતાનો અનોખો સંગમ સર્જાયો હતો. ભક્તોના આ ઉમળકાભર્યા સ્વાગતથી મહંત સ્વામી મહારાજ અત્યંત પ્રસન્ન થયાનું જણાવ્યું હતું.