BAPS Paris Temple: ફ્રાન્સ અને સમગ્ર યુરોપમાં વસતા સનાતન ધર્મીઓ માટે 6 સપ્ટેમ્બર 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર – બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યંત ભવ્યતા અને વૈદિક પરંપરા અનુસાર સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે ફ્રાન્સ સહિત વિશ્વભરમાંથી હજારો હરિભક્તો, સ્વયંસેવકો અને ભાવિકો પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ઉમટી પડ્યા હતા.
વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે પ્રાણપ્રતિષ્ઠા
મંદિર પરિસરમાં વહેલી સવારે 6:45 થી 9:00 વાગ્યા દરમિયાન શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મહાપૂજા અને પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાયો હતો. પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહંત સ્વામી મહારાજે સનાતન ધર્મના વિવિધ અવતાર સ્વરૂપોની મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરી પ્રથમ મહાઆરતી ઉતારી હતી.
મંદિરમાં નીચે મુજબના પવિત્ર દેવસ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે-
- શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજ (ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી)
- ભગવાન શ્રી રાધા-કૃષ્ણ
- ભગવાન શ્રી સીતા-રામ, શ્રી હનુમાનજી અને શ્રી લક્ષ્મણજી
- ભગવાન શંકર-પાર્વતીજી, શ્રી ગણેશજી અને શ્રી કાર્તિકેયજી
- સ્વામી શ્રી અયપ્પાજી
- ભગવાન શ્રી પદ્માવતી-વેંકટેશ્વરજી
56 વર્ષ જૂનો સંકલ્પ થયો પૂરો
આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ અડધી સદીથી વધુ સમય પહેલાં સેવાયેલો એક દિવ્ય સંકલ્પ સાકાર થયો છે. વર્ષ 1970માં યોગીજી મહારાજે પેરિસની ધરતી પર સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામશે તેવા આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ તેમના આધ્યાત્મિક અનુગામી પ્રમુખસ્વામી મહારાજે આ સંકલ્પને સતત પોષ્યો હતો. અંતે આજે મહંત સ્વામી મહારાજના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થયું છે.
આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે યોગીજી મહારાજને સંબોધીને લખેલો એક વિશેષ વ્યક્તિગત પત્ર વાંચી સંભળાવ્યો હતો અને પેરિસ મંદિરના સંકલ્પને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે, "ગુરુની ઈચ્છા પૂર્ણ કરવાના અમે માત્ર નિમિત્ત બન્યા છીએ."
13 દિવસીય ‘પેરિસ મંદિર મહોત્સવ’ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના
મૂર્તિપ્રતિષ્ઠા બાદ મહંત સ્વામી મહારાજે ફ્રાન્સ તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સામાજિક સૌહાર્દ પ્રવર્તે તે માટે ખાસ પ્રાર્થના કરી હતી. તેમણે આ મંદિરના નિર્માણમાં રાત-દિવસ સેવા આપનાર તમામ સ્વયંસેવકો, કલાકારો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.
બુસી-સેંટ-જ્યોર્જેસ અને પેરિસમાં આ પ્રસંગે 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ) નું આયોજન કરાયું છે, જે અંતર્ગત વિવિધ ભક્તિમય અને સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રવિવારે સાંજે વિશ્વભરના મહાનુભાવો, આમંત્રિત અતિથિઓ અને ડિપ્લોમેટ્સની ઉપસ્થિતિમાં વિશેષ લોકાર્પણ સભા યોજાઈ હતી.
