WPL 2026: વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, કોટંબી સ્ટેડિયમમાં ફાઈનલ સહિત 11 મેચ રમાશે

ગત વર્ષે પણ વડોદરામાં WPLની મેચો યોજાઈ હતી અને સારા આયોજનને કારણે આ વર્ષે ફરી વડોદરાને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના આયોજનની તક મળી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Jan 2026 10:41 PM (IST)Updated: Sun, 18 Jan 2026 10:41 PM (IST)
vadodara-news-womens-premier-league-wpl-2026-11-match-play-at-kotambi-stadium
HIGHLIGHTS
  • મહિલા ખેલાડીઓને નિહાળવા એરપોર્ટ પર ક્રિકેટ ફેન્સ ઉમટી પડ્યા
  • દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ પણ ટીમ સાથે હાજર રહ્યા

Vadodara: વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચોની શરૂઆત થવા જઈ રહી છે. જેને લઈને શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેશની અગ્રણી મહિલા ક્રિકેટ ટીમો એક પછી એક વડોદરા પહોંચી રહી છે. આજે દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો વડોદરા એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર પોતાની મનપસંદ ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડરીગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ તેમજ વડોદરાની રાધા યાદવ સહિતની સ્ટાર ખેલાડીઓએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઉપરાંત અનેક વિદેશી ક્રિકેટરો પણ વડોદરા આવી પહોંચી છે. મુંબઇ ઇન્ડિયન્સની એક વિદેશી ક્રિકેટર પોતાના પુત્ર સાથે આવી હોવાને કારણે લોકોમાં ખાસ ચર્ચાનો વિષય બની હતી. દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ પણ ટીમ સાથે હાજર રહ્યા હતા.

વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચો નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે બાકીની 11 મેચો વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, જેમાં 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. યુપી વોરિયર્સની ટીમ સોમવારે વડોદરા પહોંચશે.

ક્રિકેટરસિક વૈશાલી રાજપૂતે જણાવ્યું હતું કે, અચાનક જ પોતાની ફેવરિટ ખેલાડી શેફાલી વર્માને જોવા મળતા ખૂબ જ આનંદ થયો. જ્યારે પ્રેમ સોલંકીએ જણાવ્યું કે, તેઓ સ્મૃતિ મંધાનાના મોટા ફેન છે અને તેમને નજીકથી જોવાનો અનુભવ યાદગાર રહ્યો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વડોદરામાં WPLની મેચો યોજાઈ હતી અને સારા આયોજનને કારણે આ વર્ષે ફરી વડોદરાને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના આયોજનની તક મળી છે. 11 મહત્વપૂર્ણ મેચો, ફાઇનલ સહિત, વડોદરામાં યોજાવાની હોવાથી શહેર એકવાર ફરી મહિલા ક્રિકેટના મહોત્સવનું કેન્દ્ર બન્યું છે.