Mehsana: હાલના સમયમાં લોકો જ્યારે ધર્મના નામે વહેંચાયેલા જોવા મળે છે, ત્યારે મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાંથી સામાજિક સમરસતાની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં લાખો રૂપિયાનું મામેરું ભરીને લોહીના સંબંધો કરતા પણ વધુ મજબૂત માનવતાનો સંબંધ નિભાવ્યો છે.
મહેસાણાના કસ્બા વિસ્તારમાં રહેતા સુલતાના બીબી અને વડોસણ ગામના સુરતાનજી ઠાકોર સાથે મજૂરી કરતા હોવાથી બન્ને વચ્ચે ભાઈ-બહેનનો સબંધ બંધાયો હતો.
તાજેતરમાં જ્યારે સુલતાનાબીબીના પુત્ર અરમાન અને પુત્રીના લગ્ન પ્રસંગ યોજાયો, ત્યારે સુરતાનજી ઠાકોરે એક મામા તરીકેની ફરજ નિભાવી હતી. તેમણે રૂ. 1,01,000 ની રોકડ રકમ સાથે ભવ્ય મામેરું ભરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ પ્રસંગે સુરતાનજીએ ખૂબ જ સુંદર વાત કરતા જણાવ્યું હતું કે, "ધર્મ ગમે તે હોય, પરંતુ બહેન પ્રત્યે ભાઈની ફરજ સૌથી ઉપર છે." સુલતાનાબીબી અને તેમના પુત્ર અરમાને સુરતાનજીના આ અતૂટ સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
જ્યારે સુલતાના બીબીએ જણાવ્યું કે, અમારે 25 વર્ષથી ભાઈ-બહેન જેવો સબંધ છે. આજે મને ખૂબ જ ખુશી થઈ છે. મારા ભાઈની જેમ સુરતાનજીએ મામેરું ભર્યું છે. અમારે હિન્દુ-મુસ્લિમનો કોઈ ભેદભાવ નથી. અમે કંકુના ચાંદલા કરીને મામેરું વધાવ્યું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પ્રેમ અને સંબંધોને કોઈ ધર્મની સીમાઓ નડતી નથી.
