Madhu Srivastava: વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની ગર્જનાઃ હું મેદાનમાં આવ્યો છું; ત્રીજો મોરચો બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો આપ્યો ઇશારો

સ્થાનિક ધારાસભ્યને આડકતરી ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, હું મેદાનમાં આવ્યો છું. અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતાં મધુભાઈએ કહ્યું, ભગવાન સિવાય કોઈનાથી ડરતો નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 02 Sep 2025 12:49 PM (IST)Updated: Tue 02 Sep 2025 12:49 PM (IST)
madhu-srivastava-hints-at-political-comeback-in-waghodia-vadodara-596018

Madhu Srivastava Latest News: વાઘોડિયાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર રાજકીય મેદાનમાં સક્રિયતા દાખવી છે. તાજેતરમાં પોતાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કરેલા નિવેદનોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હું મેદાનમાં આવ્યો છું. આ સાથે જ તેમણે આગામી ચૂંટણીઓમાં 'ત્રીજો લોકશાહી મોરચો' બનાવીને મેદાનમાં ઉતરવાનો ઇશારો આપ્યો હતો.

ભગવાન સિવાય કોઈનાથી ડરતો નથી

મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ કોઈના દબાણમાં નથી અને પોતાના કાર્ય માટે હંમેશા લોકોની વચ્ચે રહેશે. સ્થાનિક ધારાસભ્યને આડકતરી ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, હું મેદાનમાં આવ્યો છું. અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતાં મધુભાઈએ કહ્યું, ભગવાન સિવાય કોઈનાથી ડરતો નથી.

અડધી રાત્રે પણ દરવાજા ખુલ્લા જ મળશે

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વાઘોડિયાની પ્રજા સાથે વર્ષોથી તેમનું એક વચન છે અને તે વચન તેઓ જીવશે ત્યાં સુધી પાળશે. તેમણે ખાતરી આપી કે, હું જીવતો રહ્યો મારી શ્વાસમાં શ્વાસ નહીં ત્યાં સુધી હું આપના પડખે છું. તેમનું ઘર પ્રજા માટે હંમેશા ખુલ્લું રહેશે અને અડધી રાત્રે પણ કોઈ કામ અર્થે આવશે તો દરવાજા ખુલ્લા જ મળશે.

વિકાસ કરવાના ઉદ્દેશ્યથી કાર્યાલય ખોલ્યું છે

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તેઓ વાઘોડિયા મત વિસ્તારમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપશે. ખાસ કરીને ડેમેજની ગંદકી દૂર કરવા, બિસ્માર રસ્તાઓનું સમારકામ કરાવવા અને શુદ્ધ પાણીની વ્યવસ્થા ઊભી કરવા પ્રયાસ કરશે. તેઓ નર્મદાનું પાણી લાવ્યા હોવા છતાં તેની પાછળ કોઈ વિકાસ ન થવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી અને આ વિકાસ કરવાના ઉદ્દેશ્યથી જ તેમણે કાર્યાલય ખોલ્યું હોવાનું જણાવ્યું હતું.

14મું રતન વાપરવામાં અચકાશે નહીં

મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા અને વડોદરા તાલુકાના મતવિસ્તારમાં ચાલી રહેલા કાવતરા અને બે નંબરના ધંધા સામે ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે પોલીસ અધિકારીઓ અને મામલતદારોને પણ કાન ખોલીને સાંભળી લેવા જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો તેઓ 14મું રતન વાપરવામાં અચકાશે નહીં.

'લોકશાહી મોરચો' બનાવશે

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ન કોંગ્રેસ કે ન ભાજપ સાથે છે, પરંતુ પ્રજાની ઈચ્છા મુજબ સંગઠન કરીને 'લોકશાહી મોરચો' બનાવશે. આ મોરચા દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડીને જીતવાનો અને સ્થાનિક સ્તરે વિકાસ લાવવાનો તેમનો નિર્ધાર છે.