કમાટીબાગ ઝૂમાં હિપોપોટેમસના પીંજરાનો ગેટ ખુલ્લો રહી ગયો! સહેલાણીઓ અને પ્રાણી વચ્ચે માત્ર 2 ફૂટનું અંતર

વડોદરાના કમાટીબાગ ઝૂમાં કર્મચારીની બેદરકારીથી હિપોપોટેમસના પીંજરાનો ગેટ ખુલ્લો રહી ગયો. બાળકો સહિત 15થી વધુ સહેલાણીઓ પ્રાણીથી માત્ર 2 ફૂટ દૂર પહોંચ્યા હતા,

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Nov 2026 10:32 AM (IST)Updated: Wed, 25 Nov 2026 10:32 AM (IST)
kamati-baug-zoo-hippo-enclosure-gate-left-open-visitors-near-animal

Vadodara News: વડોદરા શહેરની મધ્યમાં આવેલા કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં એક મોટી બેદરકારી સામે આવી છે.  હિપોપોટેમસના પીંજરાનો મુખ્ય ગેટ ખુલ્લો રહી જતાં બાળકો સહિત 15થી વધુ સહેલાણીઓ અજાણતામાં જ હિપોપોટેમસના પોન્ડ સુધી પહોંચી ગયા હતા. હિંસક ગણાતા આ પ્રાણી અને સહેલાણીઓ વચ્ચે માત્ર બે ફૂટ જેટલું જ અંતર રહેતા થોડીવાર માટે ભારે અફરાતફરી અને ખળભળાટ મચી ગયો હતો.

હિપોપોટેમસના પીંજરામાં મુલાકાતીઓ પ્રવેશ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, કમાટીબાગ ઝૂમાં દરરોજ મોટી સંખ્યામાં પરિવારો અને બાળકો પ્રાણીઓને જોવા માટે ઉમટી પડતા હોય છે. તાજેતરમાં ઝૂના કર્મચારીઓ દ્વારા હિપોપોટેમસને ખોરાક આપવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, ખોરાક આપ્યા બાદ ફરજ પરના કર્મચારીઓ પીંજરાનો ગેટ બંધ કરવાનું ભૂલી ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મુલાકાતીઓને ગેટ ખુલ્લો જણાતા તેઓ કુતૂહલવશ અંદર પ્રવેશી ગયા હતા.

પ્રાણી શાંત હોવાથી મોટી ઘટના ટળી

જોતજોતામાં નાના બાળકો અને મહિલાઓ સહિત 15થી વધુ લોકોનો સમૂહ સીધો હિપોપોટેમસના પોન્ડ પાસે પહોંચી ગયો હતો. સદનસીબે તે સમયે હિપોપોટેમસ શાંત અવસ્થામાં પાણીમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સહેલાણીઓ અને હિપોપોટેમસ વચ્ચે માંડ બે ફૂટનું અંતર છે, જે જીવલેણ સાબિત થઈ શક્યું હોત.

ઉલ્લેખનીય છે કે હિપોપોટેમસ દેખાવમાં ભલે શાંત લાગતો હોય, પરંતુ તે વિશ્વના સૌથી ખતરનાક અને આક્રમક પ્રાણીઓમાંનું એક ગણાય છે. જો તે સમયે હિપોપોટેમસ ઉશ્કેરાયો હોત, તો અંદર ઘૂસેલા લોકોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હોત. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.