Vadodara News: વડોદરા શહેરમાં એક તરફ પાણીની અછત સર્જાઈ રહી છે, તો બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ વહીવટ અને બેદરકારીને કારણે અમૂલ્ય પીવાનું પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. આ વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ પડવાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોત ગણાતા આજવા સરોવરની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આજવા સરોવરમાં પાણીની સપાટી ઘટતા જળ સંકટની શક્યતા
આજવા સરોવરની સપાટી ઘટીને 207.10 ફૂટ પર પહોંચી ગઈ છે. જળસપાટીમાં થઈ રહેલા આ ઝડપી ઘટાડાને કારણે આગામી દિવસોમાં શહેરના પાણી પુરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પાલિકા તંત્રને ફરી એકવાર નર્મદા કેનાલમાંથી પાણી લેવાની ફરજ પડી શકે છે. જો આમ થશે, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક જ વર્ષમાં બીજી વખત નર્મદાનું પાણી ખરીદવાની નામોશીભરી સ્થિતિ સર્જાશે, જેની સીધી આર્થિક અસર શહેરીજનોના માથે પડશે.
લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ
આ ગંભીર જળસંકટ વચ્ચે શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો પહેલેથી જ પૂરતા પ્રેશરથી અને નિયમિત પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. મહિલાઓ અને સ્થાનિકોને પીવાના પાણી માટે દરરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરના હરિનગર બ્રિજ નીચે પીવાના પાણીની લાઈનના ભંગાણ સર્જાયુ છે. લાઈન તૂટવાને કારણે રસ્તા પર પાણી વહી જતાં શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે.
અવાર-નવાર પાણીની લાઇનમાં ભંગાણથી સ્થાનિકોમાં રોષ
શહેરમાં અવારનવાર પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાવું એ સામાન્ય બાબત બની ગઈ છે, છતાં પાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવી રહી હોવાની ચર્ચા સાથે સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે હરિનગર બ્રિજ નીચે સર્જાયેલા ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે અને પાણીનો વેડફાટ અટકાવી પૂર્વ વિસ્તાર સહિત સમગ્ર શહેરને પૂરતું પાણી પૂરું પાડવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
