આજવા સરોવરના જળસ્તરમાં ઘટાડો, ઉનાળા પૂર્વે જ વડોદરામાં જળસંકટના એંધાણ

વડોદરાના આજવા સરોવરનું જળસ્તર ઘટીને 207.60 ફૂટ થયું છે. છેલ્લા 20 દિવસમાં સરોવરનું પાણી અંદાજે એક ફૂટ નીચે ઊતર્યું છે. ઘટાડાની ગતિ યથાવત રહે તો ફેબ્રુઆરી સુધીમાં વધુ છ ફૂટ ઘટાડાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Nov 2026 10:56 AM (IST)Updated: Thu, 12 Nov 2026 10:56 AM (IST)
vadodara-news-ajwa-lake-water-level-drops-water-crisis-fears-rise-in-city-before-summer

Vadodara News: વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની જળસપાટીમાં ઝડપથી થઈ રહેલા ઘટાડાને કારણે પાલિકા તંત્ર અને શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. સરોવરની વર્તમાન સપાટી 207.60 ફૂટ પર પહોંચી ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લા માત્ર વીસ દિવસના ટૂંકા ગાળામાં જ સરોવરનું પાણી અંદાજે એક ફૂટ જેટલું નીચે ઊતર્યું છે. નિષ્ણાતોના મતે, જો જળસ્તર ઘટવાની આ જ ગતિ યથાવત રહેશે, તો આગામી ચાર મહિનામાં એટલે કે ફેબ્રુઆરી સુધીમાં સપાટીમાં વધુ છ ફૂટનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે. આ પરિસ્થિતિને જોતાં ભરઉનાળા પહેલાં જ શહેરમાં પાણી પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાવાની દહેશત ઊભી થઈ છે.

આ ગંભીર મુદ્દે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તકનીકી રીતે આજવા સરોવરની સપાટી જ્યાં સુધી 206 ફૂટ સુધી હોય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના યાંત્રિક બળ વિના માત્ર ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) ના માધ્યમથી શહેરમાં સરળતાથી પાણી પહોંચાડી શકાય છે. આમ છતાં, હાલના તબક્કે પણ પાણીના વિતરણ માટે એક પંપ કાર્યરત રાખવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં જ્યારે સપાટી 206 ફૂટથી નીચે જશે, ત્યારે શહેરની તરસ છીપાવવા માટે તમામ પંપ શરૂ કરવાની અનિવાર્યતા ઊભી થશે.

સરોવરના ઘટતા જળસ્તરની સીધી અસર પાલિકાની તિજોરી પર પડવાની છે. એક તરફ નર્મદા કેનાલમાંથી વધારાનું પાણી વેચાતું લેવાની નોબત આવી છે, તો બીજી તરફ નવી લાઇનોમાં પૂરતું દબાણ જાળવી રાખવા અને પાણી ઉલેચવા માટે વધારાના પંપ ચલાવવા પડશે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે પાલિકાના વીજળી બિલમાં દર મહિને અંદાજે એક લાખ રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા છે. પરિણામે, શહેરીજનો સુધી પાણી પહોંચાડવાની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ બનશે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં શહેરને વધુ 50 એમએલડી પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ આ વધારાનો જથ્થો વિનામૂલ્યે ઉપલબ્ધ થવાનો નથી. તેની ખરીદી અને વિતરણ પાછળ તંત્રએ મોટો આર્થિક ખર્ચ ભોગવવો પડશે. 'સ્માર્ટ સિટી'ના પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં, આજવા સરોવરમાંથી કુદરતી રીતે ગ્રેવિટીથી પાણી મળતું રહે તેવું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.