Vadodara Water Crisis: વડોદરા પર આગામી ઉનાળા પૂર્વે જ જળસંકટ ઘેરાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઓછો વરસાદ નોંધાવાને કારણે વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરનું નિર્ધારિત 212 ફૂટનું વોટર લેવલ જળવાઈ શક્યું નથી. હાલમાં આજવા સરોવરની સપાટી ઘટીને 208.25 ફૂટે પહોંચી ગઈ છે, જેના કારણે આગામી અઢી થી ત્રણ મહિના સુધી જ વડોદરાવાસીઓને પૂરતો પાણી પુરવઠો મળી શકે તેમ છે.
28 દિવસમાં સવા ફૂટનો ઘટાડો
મહાનગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આજવા સરોવરમાંથી હાલમાં શહેરના વિશાળ વિસ્તારને દૈનિક 145 MLD પાણીનો સપ્લાય કરવામાં આવે છે. વીતેલા 28 દિવસમાં સરોવરની સપાટીમાં સવા ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે. ચોમાસાની વિદાય થઈ ચૂકી હોવાથી હવે કુદરતી રીતે પાણીની આવક થવાની કોઈ આશા નથી. તંત્રનું કહેવું છે કે, જ્યાં સુધી સરોવરની સપાટી 205 ફૂટ સુધી રહેશે, ત્યાં સુધી શહેરીજનોને પૂરતા પ્રેશર અને યોગ્ય જથ્થામાં પીવાનું પાણી પૂરું પાડી શકાશે. એટલે કે આગામી અઢી-ત્રણ મહિના પાણીની કોઈ મોટી સમસ્યા સર્જાશે નહીં.
પાલિકા દ્વારા આગોતરું આયોજન
જોકે, ત્યારબાદ પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. પાણીની સપાટી વધુ ઘટતાં ગ્રેવિટી ફ્લોથી પાણી મેળવવામાં ટેકનિકલ અડચણો ઊભી થતી હોય છે. આ મુશ્કેલીના નિવારણ અર્થે અને ચોવીસે કલાક યોગ્ય પ્રેશરથી પાણી પુરવઠો જાળવી રાખવા માટે પાલિકા તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પંપ અને પોન્ટુન સિસ્ટમનો ઉપયોગ
ભવિષ્યમાં સપ્લાય ન ખોરવાય તે માટે આવનારા દિવસોમાં પંપ તથા પોન્ટુન સિસ્ટમનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જો સ્થિતિ વધુ ગંભીર બનશે તો પાલિકાએ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસેથી વધારાનું પાણી ખરીદવું પડે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. હાલ પાલિકા તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
