Vadodara News: વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના રહીશો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના ગોરવા અને અકોટા સહિત પાંચ મુખ્ય ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં આજે અને આવતીકાલના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય પાલિકા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેના કારણે અંદાજે 3 લાખથી પણ વધુ નાગરિકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને પાણી માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાશે.
મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ક્ષેત્રમાં મુખ્ય વોટર સપ્લાય લાઇનના જોડાણ (મેઇન લાઇન કનેક્શન)ની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ટેકનિકલ અને મેન્ટેનન્સ કામગીરીને પગલે સુચારુ પાણી વિતરણ વ્યવસ્થા માટે પાણી પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો છે.
આ પાણી કાપની સીધી અસર શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી પર પડશે. આ વિસ્તારોમાં આવેલી 5 મુખ્ય પાણીની ટાંકીઓમાંથી સપ્લાય બંધ રહેશે. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, આજે શુક્રવારે સાંજના સમયે અપાતું પાણી અને આવતીકાલે શનિવારે સવારે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે મોકૂફ રાખવામાં આવ્યો છે.
બે દિવસ સુધી પાણી વિતરણ ઠપ રહેવાનું હોવાથી પાલિકા દ્વારા સંબંધિત વિસ્તારોના નાગરિકોને અગાઉથી જ જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવા અને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. મુખ્ય લાઇનનું જોડાણ પૂર્ણ થયા બાદ શનિવારે સાંજથી પાણી પુરવઠો પૂર્વવત રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
