Vadodara News: વડોદરામાં સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દેનારી એક અત્યંત ગંભીર વિગત સામે આવી છે. ઘાતક હથિયાર AK-47 સાથે ઝડપાયેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી શાહરૂખે વડોદરાના અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થળોની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓ દ્વારા આતંકીના મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવતા તેમાંથી ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ દરજીપુરા એરફોર્સ સ્ટેશનના મુખ્ય ગેટના ચાર ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે, જેને પગલે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
આતંકી અલકાપુરીની હોટેલમાં રોકાયો
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આતંકી શાહરૂખ ભોપાલથી વડોદરા આવ્યો હતો અને શહેરના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારની 'મિલન હોટલ'માં રોકાયો હતો. વડોદરામાં અંદાજે 18 કલાકના ટૂંકા રોકાણ દરમિયાન તે બે વખત હોટલની બહાર નીકળ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં રેકી કરી હોવાની પ્રબળ આશંકા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકીએ રેકી કરવા માટે જાહેર પરિવહન એટલે કે ઓટો રિક્ષાનો ઉપયોગ કર્યો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
130 CCTV ફૂટેજ ચકાસણી કરાઈ
સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હોટલની બહારના અને રેલવે સ્ટેશન તરફ જતા માર્ગના CCTV કેમેરામાં શાહરૂખ રિક્ષામાં બેસીને જતો સ્પષ્ટપણે દેખાયો છે. આતંકી વડોદરામાં કયા-કયા વિસ્તારોમાં ગયો હતો અને તે કોઈ સ્થાનિક સ્લીપર સેલ કે અન્ય વ્યક્તિને મળ્યો હતો કે કેમ, તે જાણવા માટે પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોના અંદાજે 130 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આતંકીની સઘન પૂછપરછ ચાલી રહી છે
એરફોર્સ સ્ટેશન અને પાલિકાની મુખ્ય કચેરી જેવા અત્યંત મહત્વના સ્થળોના ફોટા મળવાથી વડોદરામાં કોઈ મોટા આતંકી હુમલાની યોજના ઘડાઈ રહી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. હાલ AK-47 સાથે પકડાયેલા આ આતંકીની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં આગામી દિવસોમાં હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
