ડભોઈના કાયાવરોહણ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ઝાડ સાથે અથડાતા યુવતીનું મોત, યુવક ગંભીર

ડભોઈના કાયાવરોહણ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં લક્ઝુરિયસ કાર ઝાડ સાથે અથડાતા તેરસા ગામની યુવતીનું ઘટનાસ્થળે મોત થયું. આ દુર્ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 10:07 AM (IST)Updated: Sun, 29 Nov 2026 10:07 AM (IST)
dabhoi-kayavarohan-road-accident-luxury-car-tree-collision-tersa-girl-dies-timberva-youth-critical

પ્રશાંત ગજ્જર, વડોદરા:  ડભોઈ તાલુકાના જાણીતા યાત્રાધામ કાયાવરોહણ ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી લક્ઝુરિયસ કાર રોડની સાઈડમાં આવેલા તોતિંગ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા શિનોર તાલુકાના તેરસા ગામની યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગોઝારી દુર્ઘટનાને પગલે ડભોઈ અને શિનોર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે.

લક્ઝુરિયર કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ડભોઈના કાયાવરોહણ માર્ગ પરથી પસાર થતી એક લક્ઝુરિયસ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ બહાર ગયેલી કાર માર્ગની બાજુમાં આવેલા વિશાળ ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.

યુવતીને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું

આ અકસ્માતમાં કારમાં સવાર શિનોર તાલુકાના તેરસા ગામની રહેવાસી કિંજલ નામની યુવતીને માથા સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કારમાં સવાર શિનોર તાલુકાના ટિમ્બરવા ગામના રહેવાસી સ્મિત નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

ડભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે

બનાવની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવતીના મૃતદેહનો કબજો લઈ જરૂરી પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. તેરસા ગામની યુવતીના અકાળ અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે.