Ebola Virus: વડોદરાના યુવકમાં ઈબોલા વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય તંત્ર એલર્ટ, અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો

તાજેતરમાં જ આ ત્રણ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11જેટલા મુસાફરોને પશ્ચિમ વિસ્તારમાં આવેલા તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 May 2026 05:55 PM (IST)Updated: Wed, 27 May 2026 06:11 PM (IST)
health-system-alert-as-vadodara-youth-shows-suspicious-symptoms-of-ebola-virus-admitted-to-ahmedabad-civil-hospital
HIGHLIGHTS
  • ઇબોલાની ગંભીરતાને જોતા મહાનગરોમાં ખાસ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયા છે

Ebola Virus: આફ્રિકન દેશો યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ઈબોલા વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે. એવામાં ગુજરાતમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં વડોદરાના યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવકના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વિદેશથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ અને ડેક્લેરેશન ફોર્મ ફરજિયાત

આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સાંજે 9 થી સવારના 10 વાગ્યા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત વિદેશથી આવનારા તમામ મુસાફરો માટે હેલ્થ ડેક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

11 મુસાફરો હોમ આઇસોલેશન હેઠળ

તાજેતરમાં જ આ ત્રણ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને પશ્ચિમ વિસ્તારમાં આવેલા તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે, આ મુસાફરોમાંથી કોઈનામાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. તંત્રના જણાવ્યા અનુસાર, આ દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે આગામી સમયમાં પણ હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે.

naidunia_image
AMCના ડેપ્યુટી હેલ્થ ઑફિસર ડૉ. શૈલેષ સુતરીયા

હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર

આ અંગે વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર (ADHO) ડૉ. શૈલેષ સુતરીયાએ જણાવ્યું કે, ઇબોલાની ગંભીરતાને જોતા મહાનગરોમાં ખાસ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયા છે.

જે અંતર્ગ SVP હોસ્પિટલ (અમદાવાદ): 60 બેડનો અદ્યતન વોર્ડ

સિવિલ હોસ્પિટલ (અમદાવાદ): 32 બેડની વ્યવસ્થા

સુરત સિવિલ હોસ્પિટલ: 10 બેડનો સ્પેશિયલ વોર્ડ

નવો 'બુંડીબુગ્યો સ્ટ્રેન' ચિંતાનું કારણ

ઇબોલા વાયરસ ડિસીઝ (EVD) અત્યંત ઘાતક છે, જેમાં મૃત્યુદર 25 થી 90 સુધીનો હોય છે. 1976માં સૌપ્રથમ આફ્રિકામાં દેખાયેલા આ વાયરસનો આ વખતે નવો 'બુંડીબુગ્યો સ્ટ્રેન' જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, હાલની ઉપલબ્ધ રસીઓ જૂના 'ઝાયર સ્ટ્રેન' પર આધારિત હોવાથી આ નવો સ્ટ્રેન તબીબો અને વહીવટી તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.