Gujarat Ayurveda Scam: ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણના નામે ચાલી રહેલી ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓ સામે રાષ્ટ્રીય સ્તરેથી લાલ આંખ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવા છતાં ન્યૂનતમ શૈક્ષણિક અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલી રાજ્યની 7 ખાનગી આયુર્વેદ કોલેજો સામે 'નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસીન' દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. કમિશને NCISM એક્ટ 2020ની કલમ 28 અને 29 હેઠળ કાર્યવાહી કરીને આ તમામ કોલેજોની શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની માન્યતા રદ કરી દીધી છે.
કમિશનના આ આકરા નિર્ણયને પગલે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી કોર્સમાં નવા પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. માન્યતા રદ થવાને કારણે આ વર્ષે રાજ્યમાં એકસાથે આયુર્વેદની 620 બેઠકો ઘટી ગઈ છે.
આ કડક કાર્યવાહીની ઝપેટમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે આવેલી સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ પણ આવી ગઈ છે. 100 બેઠકો ધરાવતી આ કોલેજની માન્યતા રદ થતાં વડોદરા અને આસપાસના ઝોનના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
NCISMની વિશેષ ટીમો દ્વારા રાજ્યની આ કોલેજોમાં કરવામાં આવેલા ઓચિંતા નિરીક્ષણ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો અને ખામીઓ પ્રકાશમાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે, મોટાભાગની કોલેજોમાં નિયમ મુજબના લાયકાત ધરાવતા પ્રોફેસરો કે શૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ નહોતો. આ ઉપરાંત, આયુર્વેદિક હોસ્પિટલો માત્ર કાગળ પર ચાલતી હોય તેમ દર્દીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. તબીબી અભ્યાસ માટે અતિ મહત્વની ગણાતી લેબોરેટરી, પ્રેક્ટિકલ સુવિધાઓ અને આવશ્યક સાધનોનો પણ ભારે અભાવ જોવા મળ્યો હતો.
આ કાર્યવાહી અંતર્ગત માન્યતા ગુમાવનારી કોલેજોમાં ૧૦૦-૧૦૦ બેઠકો ધરાવતી વાઘોડિયાની સુમનદીપ આયુર્વેદિક કોલેજ, ખેડાની ડાલિયા અને લીંબડીની લીંબડી આયુર્વેદિક કોલેજ, જૂનાગઢની નોબલ, મહેસાણાની સરદારનો સમાવેશ થાય છે. આ સિવાય ૬૦-૬૦ બેઠકો ધરાવતી ગોધરાની જય જલારામ આયુર્વેદિક કોલેજ અને અમરેલીની શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક કોલેજનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ધોરણો સાથે ચેડાં કરતી સંસ્થાઓ સામેની આ કાર્યવાહીથી શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
