Vadodara News: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિ મહત્વપૂર્ણ ગંભીરા–મુજપુર બ્રિજનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના વરણામા ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમથી આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહીસાગર (મહી) નદી પર રૂ. 212 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ માત્ર એક વર્ષના રેકોર્ડ સમયગાળામાં તૈયાર કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈ 2025ના રોજ મહી નદી પર આવેલો આશરે 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. પાદરાના મુજપુર અને આણંદના ગંભીરા વચ્ચેનો આ પુલ ધરાશાયી થતાં 2 ટ્રક, ઇકો વાન, પિકઅપ વાન અને ઓટો રિક્ષા સહિતના વાહનો નદીમાં ખાબક્યા હતા, જેમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કરુણ અને ગંભીર દુર્ઘટના બાદ તંત્ર અને કાર્યકારી એજન્સી દ્વારા નવા બ્રિજનું નિર્માણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. બ્રિજની મજબૂતી માટે આશરે 100 ટન વજન ધરાવતું વિશાળ લોખંડી સ્ટ્રક્ચર પણ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
જૂનો બ્રિજ બંધ થવાથી વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિકોને લાંબો ફેરો લેવો પડતો હતો, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો મોટો વ્યય થતો હતો. આજે બ્રિજનું લોકાર્પણ થતાં જ વાહનોની અવરજવરથી માર્ગ ધમધમતો થઈ ગયો છે. આ સિવાય મહીસાગર બ્રિજ પર કુંવારિકાઓના હસ્તે પણ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ શરૂ થવાથી વડોદરા અને આણંદ વચ્ચેનો માર્ગસંપર્ક ફરી જીવંત બન્યો છે. વેપારીઓ, વિદ્યાર્થીઓ, મુસાફરો અને સ્થાનિક લોકોને આનાથી મોટો આર્થિક અને સમયનો ફાયદો થશે. લાંબા સમયથી બ્રિજ ખુલવાની રાહ જોઈ રહેલા લોકો માટે આજનો દિવસ મોટી રાહત લાવ્યો છે.
