Gambhira Bridge: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રુ. 212 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને માત્ર 13 મહિનાના અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 20મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મહત્વકાંક્ષી બ્રિજનું વિધિવત લોકાર્પણ કરશે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.
બ્રિજની મજબૂતાઈની ચકાસણી
આ પણ વાંચો
ભૂતકાળમાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લઈને સરકારે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવાને બદલે બ્રિજની સુરક્ષા અને ટકાઉપણાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. આ જ કારણોસર સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું હોવા છતાં, બ્રિજની મજબૂતીની સંપૂર્ણ ચકાસણી માટે લોકાર્પણ થોડો સમય અટકાવવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ પર અલગ-અલગ ત્રણ જટિલ અને કડક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગંભીરા બ્રિજ પર ધ્રુજારીનું સચોટ માપન
પહેલા 'પુલ આઉટ ટેસ્ટ' દ્વારા પિલર્સ, સ્લેબ અને ગર્ડરમાં વપરાયેલા સળિયા તથા એન્કર બોલ્ટની કોંક્રિટ સાથેની પકડ ચકાસવામાં આવી હતી. ત્યારબાદ આધુનિક સેન્સર્સ લગાવીને 'વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ' વડે વાહનોની અવરજવર સમયે થતી ધ્રુજારીનું સચોટ માપન કરાયું હતું. સાથોસાથ, એન્જિનિયરોની ટીમે 'ફિઝિકલ ટેસ્ટ' કરીને તમામ 23 સ્પાન પર 280 ટન જેટલું વજન મૂકીને બ્રિજની ભાર વહન કરવાની ક્ષમતાની સફળતાપૂર્વક ચકાસણી કરી લીધી છે.
પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ ટેક્નોલોજીનો ઉપયોગ
આ બ્રિજના નિર્માણમાં નદીના પાણીના પ્રહારથી પાયાને રક્ષણ આપવા માટે ખાસ 'પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંક્રિટનું આ વિશેષ સ્તર નદીના ઝડપી વહેણ, પથ્થરોના ઘસારા અને રાસાયણિક અસરો સામે બ્રિજના પિલર્સને હંમેશા સુરક્ષિત રાખશે. તમામ જરૂરી ટેકનિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે ટૂંક સમયમાં જ આ બ્રિજ પરથી વાહનોની ધમધમાટ શરૂ થઈ જશે.
મુસાફરોનો સમય અને બળતણની થશે બચત
નવા ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી આણંદ, વડોદરા અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ જતો વાહનવ્યવહાર વધુ ઝડપી, સરળ અને સૂરક્ષિત બનશે. આ બ્રિજ શરૂ થવાથી વેપાર-રોજગારને વેગ મળશે અને દરરોજ મુસાફરી કરતા લાખો લોકોને સમય અને બળતણની મોટો બચત થશે.
