દેશમાંથી મેઘરાજા વિદાયના 'શ્રી ગણેશ': રાજસ્થાનથી પ્રક્રિયા શરૂ, જાણો ગુજરાતમાંથી ક્યારે ચોમાસું વિદાય લેશે?

દેશમાંથી ચોમાસાની વિદાય પ્રક્રિયા રાજસ્થાનથી શરૂ થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં તે 2-3 દિવસ મોડી એટલે કે 22-25 સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી 25 સપ્ટેમ્બર સુધીમાં, જ્યારે સમગ્ર રાજ્યમાંથી 5-6 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લેશે, જોકે એકાદ વરસાદનો રાઉન્ડ આવી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 20 Sep 2026 12:00 AM (IST)Updated: Sun, 20 Sep 2026 12:00 AM (IST)
monsoon-withdrawal-begins-in-india-when-will-rain-exit-gujarat-paresh-goswami-weather-forecast

Gujarat Monsoon Withdrawal Date: દેશમાં 5 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું કેરળના કાંઠેથી પ્રવેશ્યું હતુ, જ્યારે ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં પાંચેક દિવસ વિલંબથી એટલે કે 19 જૂનની આસપાસ બેઠું હતુ. તેમ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પ્રક્રિયા પણ મોડી શરૂ થાય તેવા સંકેત મળી રહ્યા છે.

રાજસ્થાનથી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ

આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધુ છે. જો કે અત્યારે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે.

સામાન્ય રીતે દેશના પશ્ચિમ ભાગોમાંથી 17 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. જો કે તાજેતરમાં બનેલી એક મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આ વખતે બે દિવસના વિલંબ સાથે એન્ટી સાયક્લોન અને હાઈ પ્રેશરના કારણે પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય રેખા આગળ વધી છે.

ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં મોટાભાગે 20 સપ્ટેમ્બરની આસપાસ કચ્છના પાકિસ્તાન સરહદી વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. જો કે આ વખતે રાજસ્થાનની માફક ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય પ્રક્રિયા 2 થી 3 દિવસ વિલંબથી થઈ શકે છે.

એટલે કે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ શરૂ થઈ શકે છે. જ્યારે 25 સપ્ટેમ્બર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. તેમજ 30 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના 50 ટકાથી વધુ વિસ્તાર તેમજ મધ્ય ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી પુરી શક્યતા છે.

ચોમાસાની સંપૂર્ણ વિદાય પહેલા એકાદ વરસાદના રાઉન્ડની વકી

આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી 5 થી 6 ઓક્ટોબર સુધીમાં ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ જશે. જો કે ચોમાસાની વિદાય પ્રક્રિયા ચાલુ હોય, તેનો એ અર્થ નથી કે વરસાદ સાવ બંધ જ થઈ જશે. આગામી 5 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણ વિદાય લે, તે પહેલા રાજ્યમાં એકાદ વરસાદી સ્પેલ કે ઝાપટા વરસી શકે છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પોસ્ટ મોન્સૂન સાયક્લોન બનવાની પણ શક્યતા છે. જો આ સાયક્લોન ગુજરાત તરફ આગળ વધશે, તો ચોમાસાની વિદાયમાં વધુ વિલંબ થઈ શકે છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87 ટકા વરસાદ વરસ્યો

આ સાથે જ ચોમાસાના આગમન સાથે અત્યાર સુધીમાં સિઝનનો 87 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં ઝોન દીઠ જોઈએ તો, સૌથી વધુ 112 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ ખાબક્યો છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાતમાં 85.76 ટકા અને ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં 66 ટકા અને કચ્છમાં માત્ર 57.16 ટકા જ વરસાદ પડ્યો છે.