Gujarat Rain Update: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે, ત્યારે આજે વહેલી સવારથી આરામ પર ઉતરી ગયેલા મેઘરાજાએ બપોર બાદ આળસ મરડી હોય તેમ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં અમદાવાદ સહિત રાજ્યના 59 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ગુજરાતના 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, નડિયાદમાં અઢી ઈંચ જેટલો ખાબક્યો
આજે સવારથી જ ગુજરાતમાં મોટા ભાગનું આકાશ ખુલ્લું જોવા મળ્યું હતુ. જો કે બપોરે 12 વાગ્યા બાદ ધીમે-ધીમે અલગ-અલગ ભાગોમાં વાદળો બંધાવાના શરૂ થયા હતા. જે બાદ આજે બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ 61 મી.મી (2.4 ઈંચ) વરસાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ખાબક્યો હતો. આ સિવાય ખેડા જિલ્લાના માતર તાલુકામાં 42 મી.મી. (1.6 ઈંચ), ખેડામાં 32 મી.મી (1.2 ઈંચ) જેટલો વરસાદ પડ્યો છે.
આ સિવાય અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 30 મી.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 7 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.
અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, આણંદના સોજિત્રામાં 30 મી.મી (1.3 ઈંચ), પંચમહાલના જાંબુઘોડામાં 28 મી.મી (1.1 ઈંચ), સુરતના ઉમરપાડામાં 27 મી.મી (1 ઈંચ) વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં પણ સમી સાંજે વરસાદી માહોલ જામ્યો
જો અમદાવાદની વાત કરીએ તો, ગઈકાલે સવારે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ વરસાદ ગાયબ થઈ ગયો હતો. આજે સવારે પણ ભાદરવાનો ભડકા જેવો તડકો અનુભવાઈ રહ્યો હતો. જો કે સાંજ પડતા એકાએક અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં શહેરના પ્રહલાદનગર, શિવરંજની, સેટેલાઈટ, દાણીલીમડા, નારણપુરા એમ પૂર્વથી પશ્ચિમ પટ્ટા સુધી વરસાદ નોંધાયો હતો.
હજુ બે દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવાયું છે. જો કે આગામી બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી 30 થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને હજુ બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
