Gujarat ATS Operation: ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઘાતક હથિયારો અંગે એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ATSની ટીમે જરોદ બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને અત્યાધુનિક AK-47 રાઇફલ અને અંદાજિત 23 જેટલા જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો છે. અટકાયત કરાયેલ આરોપી મૂળ આસામ રાજ્યનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSએ શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને ગેરકાયદેસર હથિયારની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગતરોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ ATSની ટીમે જરોદ બસ સ્ટેન્ડ પરિસરમાં ગુપ્ત વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ શખ્સ સરકારી બસમાં સવાર થઈને જરોદ ખાતે આવી પહોંચ્યો હતો. બસમાંથી નીચે ઉતરતા જ અગાઉથી ગોઠવાયેલી ATSની ટીમે તેને ત્વરિત દબોચી લીધો હતો.
આરોપી પાસેથી રાઈફલ અને કારતૂસ મળ્યા
તપાસ દરમિયાન આરોપી પાસેથી એક AK-47 રાઇફલ અને અંદાજિત 23 જીવતા કારતુસ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. આટલા મોટા પ્રમાણમાં ઘાતક હથિયાર અને કારતુસ લઈને આરોપી વડોદરા જિલ્લાના જરોદ સુધી કેવી રીતે પહોંચ્યો, તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
ATSની તપાસમાં મોટો ખુલાસો થયો
પ્રાથમિક તપાસમાં પકડાયેલ શખ્સ મૂળ આસામનો હોવાની વિગત બહાર આવી છે. જોકે, આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો કે પછી કોઈ મોટા કાવતરાનો ભાગ છે કે કેમ, તે દિશામાં ATS દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ હથિયાર નેટવર્ક સાથે અન્ય કોઈ સ્થાનિક કે બહારના વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. જેમાં સામે આવ્યું કે, પકડાયેલો આરોપી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. હાલ ATS દ્વારા તપાસ ચાલી રહી છે.
