Vadodara News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પ્રાથમિક સુવિધાના અભાવે સર્જાયેલી એક શરમજનક ઘટના સામે આવી છે. વાઘોડિયા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના જાહેર રસ્તાઓ પર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોને તો હાલાકી ભોગવવી જ પડે છે, પરંતુ અંતિમયાત્રા પણ આ જ દૂષિત પાણીમાંથી પસાર કરવાનો વારો આવ્યો છે.
વાઘોડિયા વોર્ડ નંબર 5 માં ગટરની સમસ્યા
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, વાઘોડિયા વોર્ડ નંબર 5 માં સ્નેહલ પાર્ક, ગ્રીન પાર્ક, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) અને ઉન્નતિ વિદ્યાલય જેવા રહેણાંક તથા શૈક્ષણિક વિસ્તારો આવેલા છે. આ વિસ્તારોને જોડતા મુખ્ય જાહેર માર્ગો પર ગટરો ઓવરફ્લો થતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણી વહેતા થયા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને રસ્તાઓ પર લપસણું તથા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

ગટરના પાણી વચ્ચે કાઢવી પડી અંતિમયાત્રા
તાજેતરમાં એક અંતિમ યાત્રા આ જ જાહેર રોડ પર ભરાયેલા ગટરના ગંદા પાણીમાંથી પસાર કરવી પડી હતી. સ્વજનને અંતિમ વિદાય આપતી વેળાએ પરિવારજનો અને ગ્રામજનોને ગંદા પાણીમાં ચાલવું પડતા લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અહીં માણસ જીવે ત્યાં સુધી ગંદકી અને મુશ્કેલી સહન કરે છે, પણ મૃત્યુ પછી પણ શાંતિથી અંતિમ યાત્રા નીકળી શકતી નથી."

દરરોજ હાલાકી ભોગવતા શાળાના વિદ્યાર્થીઓ
આ ગંદા પાણીના કારણે રોજિંદી અવરજવર કરતા રાહદારીઓ અને દ્વિચક્રી તેમજ ફોર-વ્હીલર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઉન્નતિ વિદ્યાલય સહિતના વિસ્તારોમાં શાળાનો સમય શરૂ થાય ત્યારે નાના ભૂલકાંઓને પણ ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
વાઘોડિયાના સ્થાનિક રહીશોની માંગ-રજૂઆત
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જાહેર રસ્તા પર ગટરના પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને કોલેરા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ જેવા પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. વાઘોડિયામાં નગરપાલિકાની રચના થયા બાદ લોકોને સારી સુવિધાઓ મળવાની આશા હતી, પરંતુ પ્રાથમિક સુવિધાઓ જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. વહેલી તકે ગટર લાઈનનું સમારકામ કરી રસ્તાઓ પરથી ગંદા પાણીનો નિકાલ કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે.
