વડોદરા: વાઘોડિયાના જેપુરા ગામે દેવ સિંચાઈ કેનાલમાં ગાબડું, ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન

આ ઘટનાના કારણે ખેતરમાં ઉભેલા તુવેર, વાલ, મકાઈ અને પપૈયા જેવા શિયાળુ પાક નષ્ટ થઈ ગયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Nov 2026 06:55 PM (IST)Updated: Sun, 15 Nov 2026 06:55 PM (IST)
waghodia-jeypura-irrigation-canal-breach-farmers-crop-damage-vadodara-news

Vadodara News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેપુરા ગામે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ દેવ સિંચાઈ યોજનાની નવીન કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા જ કેનાલનું પાણી અચાનક આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોનાશિયાળું પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેપુરાગામે નિર્માણ પામેલી નવીન દેવ સિંચાઈ કેનાલમાં પાણી છોડ્યા બાદ અચાનક જ ગાબડું પડ્યું હતું. જેના કારણે હજારો ગેલન પાણી આજુબાજુના ખેતરોમાં ઘૂસી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ખેડૂતોને પાક બચાવવાનો સમય સુદ્ધાં મળ્યો ન હતો. આ ઘટનાના કારણે ખેતરમાં ઉભેલા તુવેર, વાલ, મકાઈ અને પપૈયા જેવા અગત્યના શિયાળુ પાકો પાણીમાં ડૂબી જવાથી નષ્ટ થઈ ગયા છે.

naidunia_image

ખેડૂતોના જણાવ્યા મુજબ, શિયાળુ સિઝનની મહેનત અને પાક નિષ્ફળ જવાથી તેમને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા ઈજારેદાર સામે રોષ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તાજેતરમાં જ કરોડો રૂપિયાના જંગી ખર્ચે નવીન કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કેનાલના બાંધકામમાં હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવાના કારણે જ થોડા જ સમયમાં કેનાલ તૂટી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જો ભ્રષ્ટાચાર અને બેદરકારી ન હોત, તો નવીન કેનાલ આ પ્રકારે ન તૂટે તેવી લોકચર્ચા જાગી છે.

naidunia_image

ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા માંગ કરી છે કે દેવ સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ અને નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે વહેલી તકે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, નિષ્ણાત ટીમ દ્વારા સ્થળ તપાસ કરાવીને નુકસાનનો સાચો અંદાજ કાઢવામાં આવે અને ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે.

જો તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ તો જેપુરા ગામના આ પ્રશ્ને સમગ્ર વાઘોડિયા પંથકમાં રાજકીય અને કૃષિ ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે.