પુત્રીને મળવા સુરતથી વડોદરા આવતા પિતાની સફર બની અંતિમ: ટેમ્પોની ટક્કરે બુલેટ સવારનું કરૂણ મોત

Vadodara News: વડોદરાની ધનીયાવી ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં બુલેટ સવાર આધેડનું મોત થયું છે. સુરતથી પુત્રીને મળવા આવતા રઘુભાઈ ભરવાડને બેફામ આઈશર ટેમ્પોએ ટક્કર મારી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 21 Nov 2026 12:56 PM (IST)Updated: Sat, 21 Nov 2026 12:56 PM (IST)
bullet-rider-dies-in-an-accident-near-dhaniyavi-chowkdi-in-vadodara

Vadodara News: વડોદરા શહેર અને હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા ભારે વાહનો નિર્દોષ વાહનચાલકો માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે ધનીયાવી ચોકડી પાસે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે આવતા આઈશર ટેમ્પો ચાલકે બુલેટ સવાર આધેડને અડફેટે લેતા તેમનું કરૂણ મોત નીપજ્યું છે. આ સમગ્ર અકસ્માતના રૂંવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના રહેવાસી રઘુભાઈ ગાડાભાઈ ભરવાડ પોતાની પુત્રીને મળવા માટે બુલેટ લઈને સુરતથી વડોદરા આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે વડોદરાની ધનીયાવી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે કાળ બનીને આવેલા એક બેફામ આઈશર ટેમ્પોના ચાલકે તેમના બુલેટને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રઘુભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં રઘુભાઈને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેના આધારે કપુરાઈ પોલીસે અકસ્માત સર્જનાર આઈશર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

દીકરીને મળવા નિકળ્યા અને મળ્યું મોત

દીકરીને મળવાના હરખ સાથે ઘરેથી નીકળેલા પિતાન રઘુભાઈનું રસ્તામાં જ અકાળે અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે પુત્રો અને ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા ભરવાડ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.