મહેસાણાના રાધનપુર સર્કલ પર રુ. 136 કરોડનો ફ્લાયઓવર બનશે, અમદાવાદ-પાલનપુર હાઈવેના વાહનચાલકોને મળશે મોટી રાહત

મહેસાણાના વ્યસ્ત રાધનપુર સર્કલ પર ₹136 કરોડના ખર્ચે 1 કિમી લાંબા ફ્લાયઓવરનું કામ શરૂ થયું છે. માર્ચ 2027 સુધી સર્વિસ રોડ અને ઓક્ટોબર 2028 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 10:29 AM (IST)Updated: Sat, 21 Nov 2026 10:29 AM (IST)
mehsana-radhanpur-circle-flyover-construction-starts-136-crore-project
AI IMAGE

Mehsana News: ઉત્તર ગુજરાતના મહત્વના વેપારી મથક એવા મહેસાણા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રાધનપુર સર્કલ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. શહેરના વિકાસને વેગ આપતાં રુ. 136 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આધુનિક ફ્લાયઓવર બ્રિજની કામગીરીનો શુક્રવારથી વિધિવત્ત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અમદાવાદથી પાલનપુર તરફ જતાં વાહનચાલકોને પણ મોટી રાહત મળશે.

1-1 કિમીના RCC સર્વિસ રોડનું નિર્માણ

આ પ્રોજેક્ટ હેઠળ 1 કિમીના લાંબા ફ્લાયઓવરના મુખ્ય બાંધકામ પહેલા વાહનચાલકોની સુવિધા માટે બંને તરફ 1-1 કિમીના મજબૂત આરસીસી સર્વિસ રોડ બનાવવામાં આવશે, માર્ચ 2027 સુધીમાં બંને તરફના સર્વિસ રોડ તૈયાર કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી આગામી ચોમાસા દરમિયાન વાહનચાલકોને અવરજવરમાં કોઈ હાલાકી ન ભોગવવી પડે.

સર્વિસ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ફ્લાયઓવરનું મુખ્ય બાંધકામ શરુ કરાશે. સર્વિસ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ફ્લાયઓવરનું મુખ્ય બાંધકામ શરુ કરાશે. આ ફલાયઓવરનો એક છેડો શિલ્પા ગેરેજ અને બીજો છેડો દૂધસાગર ડેરી નજીક ઉતરશે. સમગ્ર પ્રોજેક્ટ ઓક્ટોબર 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.

રાહદારીઓની સુરક્ષા માટે લિફ્ટ 

હાઈવે ક્રોસ કરતા સ્થાનિક નાગરિકો અને રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શિલ્પા ગેરેજ અને ડેરી નજીક બે આધુનિક ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે, વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલાઓની સુવિધા માટે આ બંને ફૂટ ઓવરબ્રિજમાં સીડીઓ ઉપરાંત લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી લોકો સુરક્ષિત રીતે હાઈવે પાર કરી શકશે.

22 પિલ્લર પર મજબૂત ફ્લાયઓવર

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા અમદાવાદથી પાલનપુર તરફના હાઈવે પર બનનારા આ ફ્લાયઓવરની ટેકનિકલ ડિઝાઈન અત્યંત મજબૂત રાખવામાં આવી છે. જેમાં ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા અને ભારે વાહનોની સતત અવરજવરને ધ્યાને રાખીને ઈન્ડિયન રોડ્સ કોંગ્રેસના ધોરણો મુજબ ડિઝાઈન તૈયાર કરાઈ છે. બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાવાળા M20થી M50 ગ્રેડના કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવશે. આ ફ્લાયઓવરના બાંધકામના માળખાની વાત કરીએ તો, કુલ 22 પિલર, 2 અબ્યુટમેન્ટ અને 23 સ્પાન તૈયાર થશે.