વિશ્વના 30 દેશોના ડેલિગેશનની વડોદરા મુલાકાત: લક્ષ્મીવિલાસ પેલેસ, મ્યુઝિયમ અને સુરસાગરની ભવ્યતા જોઈ વિદેશી મહેમાનો મંત્રમુગ્ધ

વડોદરામાં 30 દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિનો અનુભવ કર્યો. તેઓએ લક્ષ્મીવિલાસ પેલેસ, મ્યુઝિયમ અને સુરસાગરની મુલાકાત લીધી અને શહેરના આતિથ્યથી પ્રભાવિત થયા, હવે ગરબા નિહાળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Oct 2026 10:31 PM (IST)Updated: Sat, 10 Oct 2026 10:31 PM (IST)
30-nation-foreign-delegation-visits-vadodara-mesmerized-by-laxmi-vilas-palace-and-sursagar

Vadodara: સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં આજે એકસાથે વિશ્વના 30 જેટલા અલગ-અલગ દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું આગમન થતાં સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, કળા અને સાંસ્કૃતિક વારસાને નજીકથી જાણવાના હેતુસર યોજાયેલી આ ખાસ મુલાકાત દરમિયાન વિદેશી મહેમાનોએ વડોદરા શહેરની ઐતિહાસિક વિરાસત અને પરંપરાઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

પ્રતિનિધિમંડળે પોતાના પ્રવાસની શરૂઆત વડોદરાના શાન સમાન અને વિશ્વ વિખ્યાત લક્ષ્મીવિલાસ પેલેસથી કરી હતી. રાજવી યુગની સ્થાપત્યકળા અને ભવ્યતા જોઈને વિદેશી મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પેલેસના ઇતિહાસ તથા ગાયકવાડી શાસનકાળની સિદ્ધિઓ વિશે માહિતગાર થઈને તેઓએ વડોદરાના ઐતિહાસિક વારસાને બિરદાવ્યો હતો.

આ ઉપરાંત શહેરમાં આવેલા પ્રસિદ્ધ મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની મુલાકાત લઈને તેઓએ દુર્લભ કળાનમૂનાઓ, ચિત્રો અને પ્રાચીન અવશેષોનું નિરીક્ષણ કરી ભારતની પ્રાચીન સભ્યતાનો પરિચય મેળવ્યો હતો.

જે બાદ શહેરના હાર્દસમા સુરસાગર તળાવ ખાતે મહેમાનો પહોંચ્યા હતા. સુરસાગરના કિનારેથી શહેરના શાંત અને આહલાદક વાતાવરણની મજા માણવાની સાથે તેઓએ વડોદરાના અન્ય ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો વિશે પણ વિગતવાર માહિતી મેળવી હતી. વડોદરાના લોકોનો આતિથ્ય સત્કાર અને અનોખી કળા-સંસ્કૃતિથી તમામ વિદેશી મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા.

વિશ્વવિખ્યાત ગરબા નિહાળશે વિદેશી મહેમાનો:

આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ વડોદરાના વિશ્વપ્રસિદ્ધ ગરબા છે. વડોદરાની નવરાત્રિ અને ગરબા મહોત્સવ સમગ્ર વિશ્વમાં તેની ભવ્યતા અને પરંપરાગત શૈલી માટે જાણીતા છે. ડેલિગેશનના સભ્યો વડોદરાના ભવ્ય ગરબા મહોત્સવમાં ખાસ હાજરી આપશે. ખેલૈયાઓની રમઝટ, પરંપરાગત પોશાક અને સંગીતના તાલ પર વિદેશી મહેમાનો પણ ઝૂમી ઉઠશે.

ગુજરાતની લોકસંસ્કૃતિ અને વડોદરાના આતિથ્યથી પ્રભાવિત થયેલા પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, વડોદરા શહેર માત્ર સ્થાપત્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ તેની જીવંત સંસ્કૃતિ અને પરંપરાની દ્રષ્ટિએ પણ વિશ્વભરમાં અજોડ છે.