Vadodara Navratri Security Plan: વડોદરામાં નવરાત્રીના પાવન પર્વને નિર્વિધ્ને અને ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય અને સુદ્રઢ મેગા સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર શહેરમાં 1700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
આ ભવ્ય બંદોબસ્તનું નેતૃત્વ ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે, જેમાં જોઈન્ટ સીપી, એડિશનલ સીપી સહિત 8 જેટલા DCP કક્ષાના અધિકારીઓ સીધા નિરીક્ષણ હેઠળ જોડાશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે SRPF ની 2 કંપનીઓ અને સ્પેશિયલ એક્શન ફોર્સની 1 કંપનીને પણ તૈનાત કરવામાં આવી છે.
આ ઉપરાંત, તહેવારો દરમિયાન નગરજનોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે 380થી વધુ ટ્રાફિક પોલીસ, 800 ટ્રાફિક બ્રિગેડ અને 800 હોમગાર્ડના જવાનો રસ્તાઓ પર સુચારુ વાહન વ્યવહાર જાળવશે.
શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે PCB, DCB અને SOG જેવી સ્પેશિયલ બ્રાન્ચની ટીમોને પણ સક્રિય કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો, ગરબા ગ્રાઉન્ડ્સ અને શંકાસ્પદ તત્ત્વો પર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરની કડક ચેતવણી અને અપીલ:
વડોદરા પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્ત્વો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તદુપરાંત, અબાલ-વૃદ્ધ સૌ ખેલૈયાઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપાલન કરવા, વાહનો નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ જ પાર્ક કરવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ જણાય તો તુરંત જ ૧૧૨ નંબર પર પોલીસનો સંપર્ક કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
