Surendranagar: લીંબડી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ટક્કર, નીચે પટકાયેલા બે યુવકોના સ્થળ પર જ મોત

લીંબડી-રાજકોટ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વડોદ ગામના બે યુવકોના ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 10:21 PM (IST)Updated: Fri, 02 Oct 2026 10:21 PM (IST)
surendranagar-road-accident-2-killed-in-fatal-car-bike-collision-on-limbdi-highway
ફાઈલ ફોટો

Surendranagar Road Accident: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વડોદ ગામ નજીક કારની ટક્કરથી બાઈક પરથી નીચે બટકાયેલા બે યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાજકોટ-લીંબડી હાઈવે પર આવેલા વડોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારની ટક્કરથી બાઈક પર સવાર બન્ને યુવકો નીચે પટકાયા હતા. બન્ને યુવકોને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જ્યાં બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ પરેશ વાઘરોડિયા અને રાજુ વાઘરોડીયા તરીકે થઈ છે, જે બન્ને વડોદ ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. બન્ને યુવકોએ અકસ્માતમાં જીવ ગુમાવતા વાઘરોડીયા પરિવાર તેમજ વડોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.